કિંગ ખાનના જન્મદિવસ બીજી નવેમ્બરે ‘મન્નત’ની બહાર ચાહકોનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. મધ્યરાત્રિથી આખો દિવસ ચાહકોનો ‘મન્નત’ની બહાર જમાવડો રહ્યો હતો. દેશના અલગ-અલગ ખૂણેથી શાહરુખના ચાહકો મુંબઈ પહોંચ્યા હતા. શાહરુખની એક મહિલા પ્રશંસકે કહ્યું હતું, ‘હું શાહરુખના જન્મદિવસની ઉજવણી કરવા ગુજરાતથી ખાસ આવી છું. બીજી નવેમ્બર મારી પુત્રીનો પણ જન્મદિવસ હોવાથી આ મારા માટે બેવડી ખુશીનો પ્રસંગ છે. સવારથી શાહરુખના બંગલાની બહાર ભારે ચહલપહલ જોવા મળી રહી હતી. રાત્રે તો અહીં હજારોની ભીડ ઉમટી પડી હતી.’ શાહરુખના બંગલાની બહાર સારી સંખ્યામાં ચાહકો હાજર હતા, ગીતો વાગતા હતા અને લોકો નાચતા-ઝૂમતા જોવા મળતા હતા. મોડેથી શાહરુખે બહાર આવીને ચાહકોનો આભાર માન્યો હતો.
પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો
58 વર્ષના થયેલા શાહરુખના જન્મદિનની ઉજવણી માટે હજારો ચાહકો ‘મન્નત’ની બહાર એકઠા થયા હતા. ફેન્સે આતશબાજી કરી હતી તો સાથે સાથે હૂટિંગ અને ઘોંઘાટ સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. રાત્રે 12 વાગ્યા પછી શાહરુખ ખાન બ્લેક ટી-શર્ટ, કેપ, કાર્ગો જીન્સ અને ડાર્ક ચશ્મામાં ‘મન્નત’ની રેલિંગ પાસે આવ્યો હતો. તેણે ફલાઇંગ કિસ અને થમ્સ અપની નિશાની કરીને ચાહકોનો આભાર માન્યો હતો. શાહરુખ ‘મન્નત’ની રેલિંગ પાસે આવીને ચાહકોનો આભાર માન્યો ત્યારે તેની એક ઝલક મેળવવા માટે ભીડ એટલી બેકાબુ બની ગઈ હતી કે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
નેટવર્થમાં રૂ. 1300 કરોડનો વધારો
વર્ષ 2023ની બે સૌથી મોટી હિટ ફિલ્મો આપનાર કિંગ ખાન શાહરુખ 58 વર્ષનો થઈ ગયો છે. ઉંમરના આ તબક્કે પણ, એસઆરકેએ રેકોર્ડ બ્રેકિંગ કમબેક કર્યું છે, જે હિન્દી સિનેમાના ઇતિહાસમાં પહેલાં ક્યારેય જોવા મળ્યું ન હતું. ‘જવાન’ અને ‘પઠાને’ બોક્સ ઓફિસ પર કુલ 2196 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બંને ફિલ્મો ભારતની ટોપ-3 સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મોમાં બીજા અને ત્રીજા સ્થાને છે. પ્રથમ નંબરે આમિરની ‘દંગલ’ છે. આ કમબેકને કારણે શાહરુખની નેટવર્થમાં વર્ષ 2023માં 1300 કરોડ રૂપિયાનો વધારો થયો છે, હવે તે 6411 કરોડ રૂપિયાનો માલિક છે. વિશ્વના સૌથી અમીર કલાકારોની યાદીમાં તેમનું નામ ચોથા સ્થાને છે. કમાણીના મામલામાં તેમણે ટોમ ક્રૂઝ, જેકી ચેન અને આર્નોલ્ડ સ્વાર્ઝેનેગરને પાછળ છોડી દીધા છે.