ફિલ્મ ‘ઝીરો’ની નિષ્ફળતા બાદ શાહરુખ ખાને પોતાની જાતને રૂપેરી પડદાથી અળગી કરી નાંખ્યાની ચર્ચા છે. ફિલ્મને મળેલી નિષ્ફળતાની નિરાશામાંથી તે હજી બહાર આવ્યો નથી. કિંગ ખાન કહે છે કે તેને હાલમાં તો કોઇ ફિલ્મ સાઇન કરવામાં રસ નથી, પરંતુ તાજેતરમાં વાત વહેતી થઇ છે કે, તે યશરાજની ફિલ્મથી કમબેક કરવાનો છે. તો બીજી તરફ, તેણે સ્પેનિશ ટીવી શોના રાઈટ્સ ખરીદ્યા હોવાના પણ અહેવાલ છે. શાહરુખના પ્રોડકશન હાઉસે સ્પેનિસ શો ‘મની હિસ્ટ’ શોના હક ખરીદ્યા છે. હાલ આ શોની ત્રીજી સિરીઝ ચાલુ છે. કિંગ ખાનને આ શો બહુ પસંદ પડયો છે અને તેનું માનવું છે કે, આના પરથી બોલિવૂડમાં એક સુંદર ફિલ્મ બનાવી શકાય તેમ છે.
‘મની હિસ્ટ’ની વાર્તા એક રહસ્યમય વ્યક્તિની આસપાસ ફરે છે. તે પોતાને પ્રોફેસર તરીકે ઓળખાવે છે. તે પોતાના એક કામ માટે આઠ ભાડૂતી અપરાધીઓની નિમણૂક કરે છે. આ લોકોને તે એક વિશાળ ઘરમાં રાખીને એક બેંકમાંથી કરોડોની ચોરીની યોજના માટે તાલીમ આપે છે. વાસ્તવમાં આ લોકોએ બેંકમાંથી ચોરી નથી કરવાની હોતી, પરંતુ આ જ બેંકમાં ૧૧ દિવસ માટે હોસ્ટ બનીને રહેવાનું હોય છે અને યુરો પ્રિન્ટ કરવાના હોય છે. બેંકની બહાર રહેલો આ પ્રોફેસર પોલીસને ખોટી માહિતી આપીને ચકડોળે ચડાવે છે. હાલ આ ફિલ્મની વાર્તાને એક ટીમ લખી રહી છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન કામ કરવાનો છે કે નહીં તેની કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. સ્ક્રિપ્ટની જરૂરત પ્રમાણે કાસ્ટની પસંદગી કરવામાં આવશે.