કિયારા અડવાણી ટૂંક સમયમાં માતા બનવાની છે. કિયારા તથા સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ સમાચાર શેર કર્યા છે. હજુ થોડા દિવસો પહેલાં જ ફરહાન અખ્તરે જાહેરાત કરી હતી કે તે ટૂંક સમયમાં ‘ડોન-થ્રી’નું શૂટિંગ શરૂ કરવાનો છે. બીજી તરફ, કિયારાએ પ્રેગનન્સી જાહેર કરી છે. આથી કિયારા પ્રેગનન્સી લીવ પર જતાં પહેલાં ‘ડોન -થ્રી’નું પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કરશે કે પછી ફરહાન અખ્તર કિયારા મેટર્નિટી લીવ પરથી પાછી આવે ત્યાં સુધી રાહ જોશે તે અંગે અટકળો ચાલે છે. આ પોસ્ટ પર હુમા કુરેશી, શિલ્પા શેટ્ટી, એકતા કપૂર, મનીષ પોલ, ગૌહર ખાન, નેહા ધુપિયા, ઇશાન ખટ્ટર, રિયા કપૂર, શિબાની દાંડેકર સહિતના સેલેબ્સએ તેમને અભિનંદન પાઠવ્યાં હતાં. આ ઉપરાંત મોટી સંખ્યામાં ચાહકોએ અભિનંદન આપ્યાં હતાં. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બોલિવૂડનું સૌથી ક્યુટ કપલ ગણાય છે. તેમણે 2023ની સાતમી ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા. કિયારા અને સિદ્ધાર્થની મુલાકાત 2021ની ફિલ્મ ‘શેરશાહ’ના સેટ પર થઇ હતી. આ દરમિયાન તેમના સંબંધો ધીરે ધીરે ગાઢ બન્યા હતા અને ડેટ કરવા લાગ્યા હતા.