મુંબઈ: એક સમયના પ્રખ્યાત ગાયક અને અભિનેતા કિશોર કુમારની એક ફિલ્મ પર સરકારે એ સમયે ૬૦ વર્ષ પહેલાં પ્રતિબંધ મૂક્યો હતો. આ ફિલ્મ પર હોલિવૂડની ફિલ્મની કોપી કરવાનો આરોપ મુકાયો હતો. હવે લગભગ ૬૦ વર્ષ પછી ભારતના નેશનલ ફિલ્મ આર્કાઇવને ૧૯૫૭માં આ પ્રતિબંધિત કરાયેલી આ ફિલ્મ ‘બેગુનાહ’ની રીલ મળી છે. બોમ્બે હાઇ કાર્ટે ત્યારે ફિલ્મની તમામ પ્રિન્ટને નાશ કરવાનો આદેશ આપ્યો હતો. હવે તેની દુર્લભ ક્લિપ મળી છે. આ ફિલ્મની બીજી રીલમાં સંગીતકાર જયકિશન પિયાનો પર જોવા મળે છે. શકીલા ડાન્સ કરે છે અને મુકેશ ‘અય પ્યાસે દિલ બેઝુબાં’ ગાતા દેખાય છે. આ એકમાત્ર ફિલ્મ છે જેમાં જયકિશનની મોટી ભૂમિકા હતી. રીલની હાલત સારી નથી, પરંતુ રીલમાં ગીત વાગી રહ્યું છે એ સદનસીબ છે. એનએફએઆઈના ડિરેક્ટર પ્રકાશે જણાવ્યું કે, આ એક ચમત્કાર છે. કેટલાય વર્ષોથી કેટલાય લોકો આ ફિલ્મની રીલની શોધમાં હતા.
૧૯૫૭માં રિલીઝ થયેલી આ ફિલ્મ વિવાદમાં ઘેરાઈ ગઈ હતી જ્યારે અમેરિકાના પેરેમાઉન્ટ પિક્ચર્સે આક્ષેપ કર્યો હતો કે, તેમની ૧૯૫૪માં આવેલી ફિલ્મ ‘નોક ઓન વૂડ‘ની નકલ આ ફિલ્મમાં કરાઈ છે. પેરેમાઉન્ટ પિક્ચરની કેસમાં જીત થઈ હતી. આ ફિલ્મની તમામ પ્રિન્ટનો નાશ કરવાનો આદેશ થયો હતો. કોર્ટના આદેશ પછી એવું મનાતું કે, તમામ પ્રિન્ટ નાશ કરાઈ છે જોકે કેટલાક ફિલ્મી લવર્સના કારણે ૬૦ વર્ષના અંતે આખરે ફિલ્મની રીલ મળી છે.
પ્રકાશે કહ્યું કે, અમારી પાસે બે તબક્કામાં ‘બેગુનાહ’ની ૧૬ મીમીની બે રીલ છે જે લગભગ ૬૦થી ૭૦ મિનિટની છે. મળેલી રીલમાં ફિલ્મ અચાનક શરૂ થાય છે, પરંતુ સારી રીતે સમાપ્ત થાય છે. તેમાં કોઈ ક્રેડિટ નથી. એનએફએએઈ હવે કોર્ટના જજમેન્ટની કોપી હાંસલ કરવાની કોશિશ કરી રહી છે, પરંતુ અત્યાર સુધી તેમાં સફળતા મળી નથી.