અનેક ચીજ-વસ્તુઓ, બેંક વગેરેના બ્રાંડ એમ્બેસડેર મહાનાયક અમિતાભ બચ્ચને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થયેલી કિસાન ટીવી ચેનલના મહેનતાણા માટે એક ખુલાસો કર્યો છે. તેમણે ૨૦ જુલાઇએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કિસાન ચેનલના પ્રચાર માટે તેમણે કોઇપણ પ્રકારનું મહેનતાણું લીધું નથી. ગત સપ્તાહે એવી ખબર બહાર આવી હતી કે આ ચેનલના બ્રાન્ડ એમ્બેસેડર બનવા બદલ અમિતાભે રૂ. સાડા છ કરોડ લીધા છે. તેમણે જણાવ્યું હતું કે, ‘મેં દૂરદર્શન પાસેથી કિસાન ચેનલના પ્રસાર માટે કોઈ પૈસા લીધા નથી. હું ડીડી કિસાનની એક જાહેરાતમાં પણ કામ કરી ચૂક્યો છું પરંતુ આ જાહેરાત બનાવનાર કંપની પાસેથી પણ કોઈ નાણા લીધા નથી.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મે મહિનામાં આ ચેનલ લોન્ચ કરી હતી. આ અંગે કહેવાય છે કે ચેનલના પ્રચાર માટે બનાવેલી જાહેરાત માટે બચ્ચને રૂ. ૬.૩૧ કરોડ લીધા છે, જે અત્યાર સુધીમાં લેવામાં આવેલી સૌથી વધુ રકમ છે. આ રકમ ચેનલના કુલ બજેટ રૂ. ૪૫ કરોડનો સાતમો ભાગ છે. એટલે કે બજેટનો અંદાજે ૧૫ ટકા ભાગ અમિતાભ બચ્ચનને ફાળે આવ્યો છે. પોતાની કોઈ ચેનલના પ્રચાર માટે દૂરદર્શને આટલી મોટી રકમ આજ સુધી કોઈ પણ કલાકારને આપી નહીં હોવાનું કહેવાય છે. દૂરદર્શન પેનલની એડવર્ટાઇઝ એજન્સી- લિન્ટાસ ઈન્ડિયા પ્રા. લિ.એ અમિતાભ અને કેન્દ્ર સરકાર વચ્ચે આ કરાર કરાવ્યો છે. કરાર મુજબ ચેનલની જાહેરાત માટે અમિતાભને ટી.વી. પ્રિન્ટ, ઈન્ટરનેટ અને ફિલ્મ એડ માટે શૂટિંગ કરવું પડશે. સૂત્રો કહે છે કે શૂટિંગ પણ એક જ દિવસનું હશે અને જાહેરાતનું પ્રસારણ ૩૦ એપ્રિલ, ૨૦૧૬ સુધી કરાશે. જોકે, હવે બચ્ચનના ખુલાસા પછી આવી વાતોનો કોઇ અર્થ રહેતો નથી.