ફિલ્મ નિર્માતા કરણ જોહરે અમેરિકન ગાયિકા કેટી પેરીના સ્વાગતમાં તાજેતરમાં પાર્ટી આપી હતી. વન-પ્લસ કોન્સર્ટ માટે ભારતની મહેમાન બનેલી કેટીએ વન-પ્લસ મ્યુઝિક ફેસ્ટિવલમાં ૧૬ નવેમ્બરે ૨૫૦૦૦ દર્શકોને ડોલાવ્યા હતા. તેની સાથે દુઆ લિપાએ પણ આ કાર્યક્રમમાં પર્ફોર્મન્સ આપ્યું હતું. કોન્સર્ટ પહેલાં જોહરે કેટી માટે આપેલી પાર્ટીના ફોટો - વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતાં. આ પાર્ટીના ફોટોઝ અને વીડિયોઝમાં ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન, આલિયા ભટ્ટ, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા, આદિત્ય રોય કપૂર, શાહિદ કપૂર અને તેની પત્ની મીરાં રાજપૂત, અનુષ્કા શર્મા સહિત બોલિવૂડ હસ્તીઓ દેખાય છે. કેટી ૧૨ નવેમ્બરે ભારત આવી પહોંચી હતી. તેણે ૭ વર્ષ બાદ અહીં આવવા અંગે ખુશી જાહેર કરી હતી. કેટીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે કહેવાય છે કે દર ૭ વર્ષમાં તમારી દરેક કોશિકા ફરીથી યુવા થાય છે. સાત વર્ષ બાદ હું ફરીથી ભારત આવી છું ત્યારે મારામાં નવી તાજગી મહેસૂસ કરી રહી છું.