કોંકણા સેન શર્મા અને તેના અભિનેતા પતિ રણવીર શૌરીએ પાંચ વર્ષ સુધી લગ્નજીવન વિતાવ્યા પછી પરસ્પરની સંમતિથી જુદા થવાનો નિર્ણય લીધો છે. ચાર વર્ષીય પુત્ર હારુનના માતાપિતા એવા આ દંપતીએ પોતપોતાના ટ્વીટર એકાઉન્ટ પર તેમના છૂટા પડવાની માહિતી આપી છે. કોંકણાએ જણાવ્યું છે કે, ‘મેં અને રણવીરે પરસ્પરની સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે પણ અમે મિત્રો અને પુત્રના વાલી બનીને રહીશું. આપના સહયોગ માટે આભાર. ધન્યવાદ.’ રણવીરે પણ આ વાતને સમર્થન આપ્યું હતું. આ બંનેએ ‘ટ્રાફિક સિગ્નલ’, મિક્સ્ડ ડબલ’, ‘આજા નચલે’ અને ‘ગૌર હરિ દાસ્તાન’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.