પ્રખ્યાત એક્ટર, ગાયક સ્વ. કિશોર કુમારની બાયોપિક બનાવવા માટે ફિલ્મમેકર અનુરાગ બસુ બે વરસથી મહેનત કરી રહ્યા છે. ફિલ્મ બનાવવાની વાટાઘાટો વર્ષ ૨૦૧૮માં શરૂ થઈ હતી. સ્વ. કિશોર કુમારનાં પુત્ર અને પત્ની પાસેથી ફિલ્મ બનાવવાના હક ખરીદવાની વાતો બહાર આવતી રહે છે, પરંતુ કંઈ સ્પષ્ટ થતું નથી. જોકે અનુરાગે તાજેતરમાં ઘોષણા કરી દીધી છે કે કિશોર કુમાર પરથી ફિલ્મ બનશે અને તેમાં લીડ રોલમાં રણબીર કપૂર હશે. ઉલ્લેખનીય છે કે રણબીરે આ પહેલાં પણ ‘બરફી’માં ડિરેક્ટર અનુરાગ બસુ સાથે કામ કર્યું છે અને એ ફિલ્મ સુપરહિટ હતી. એ પછી આ એક્ટર – ડિરેક્ટરની જોડીએ ‘જગ્ગા જાસૂસ’ ફિલ્મ આપી, પણ બોક્સઓફિસ પર તે ફિલ્મ કંઈ કમાલ દેખાડી શકી નહોતી. હવે અનુરાગે કિશોર કુમારની બાયોપિક માટે કહ્યું છે કે, કોઈ પણ સંજોગોમાં એ કિશોરકુમાર પરની ફિલ્મ બનાવશે.