કોમેડિયન-એક્ટર કપિલ શર્માએ ૧૨મી ડિસેમ્બરે તેની મિત્ર ગિન્ની ચત્રથ સાથે જલંધરમાં હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં. લગ્નમાં કપિલ લીલા રંગની શેરવાની તથા હાથમાં તલવાર લઈને જોવા મળ્યો હતો. તો ગિન્ની લાલ રંગના લહેંગામાં હતી. એ પછી ૧૩મીએ કપિલ-ગિન્નીનાં લગ્ન ગુરુદ્વારામાં થયાની તસવીરો પણ સામે આવી હતી. ૧૩મીએ સવારે કપિલે શીખ રિવાજ પ્રમાણે લગ્ન કર્યાં હતાં. કપિલ શર્મા વ્હાઇટ કલરની શેરવાનીમાં જોવા મળ્યો હતો અને તેણે ગુલાબી કલરની પાઘડી બાંધી હતી. ગિન્નીએ ગુલાબી લહેંગો પહેર્યો હતો. લગ્નમાં પંજાબી સિંગર ગુરદાસ માને પણ શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ સેલિબ્રિટી પોતાના લગ્ન યુટ્યૂબ પર દેખાડ્યા છે. ઈશા અંબાણી, પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણે પોતાના લગ્નને બની શકે તેટલા અંગત રાખ્યા હતા, પણ કપિલના લગ્નના વીડિયો લગ્ન સમયે જ જાહેર થયા હતા. લગ્ન પહેલાં જલંધરમાં જ યોજાયેલી સંગીત સેરેમની લગભગ આખી રાત ચાલી હતી અને સૌ મન ભરીને નાચ્યા હતા.
કપિલ શર્માના લગ્ન પછી ૧૪મીએ તેના હોમટાઉન અમૃતસરમાં રિસેપ્શન યોજાયું હતું. અહેવાલો મુજબ મુંબઈમાં પણ ૨૪મી ડિસેમ્બરે એક રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૪મી ડિસેમ્બરના રોજ યોજાનારા રિસેપ્શનમાં ઘણા બોલિવૂડ સેલેબ્સ હાજર રહેશે.
કપિલની કોમેડી પર હસતી રહી ગિન્ની
ફેરા ફરતાં પહેલાં કપિલે ગિન્નીને સવાલ કર્યો હતો કે, હજી પણ સમય છે લગ્ન કરું કે ભાગી જાઉં? આ સાંભળીને ગિન્ની હસી પડી હતી. લગ્ન દરમિયાન સતત કપિલ કોમેડી કરી કરીને લોકોને હસાવતો રહેતો હતો. લગ્નમાં કેમેરા સામે પોઝ આપતી વખતે પણ કપિલ કોમેડી કરતો રહ્યો હતો અને દુલ્હન ગિન્ની હસતી રહી હતી.
લગ્નમાં આવ્યા ટીવી સેલેબ્સ
કપિલ તેના કો સ્ટાર રહી ચૂકેલા કોમેડિયન સુનીલ ગ્રોવરને જાતે લગ્નનું આમંત્રણ આપી આવ્યો હતો, પરંતુ તે આવ્યો નહોતો.
કપિલ ગિન્નીના લગ્નમાં કૃષ્ણા અભિષેક, સુમોના ચક્રવર્તી, ભારતી સિંહ, ગુરદાસ માન, આરતી સિંહ, હર્ષ લિમ્બાચિયા, રાજીવ ઠાકુર અને સિંગર રિચા શર્મા આવ્યા હતાં.
લંડન થાઈલેન્ડથી શેફ આવ્યા
કપિલના લગ્નમાં ૮૦૦ મહેમાનો આવવાના હતાં, પરંતુ આંકડો ૧૦૦૦ મહેમાનોનો થયો હતો. લગ્નનો તમામ ખર્ચ ગિન્નીના પરિવારે ઉઠાવ્યો હતો. ચર્ચા છે કે ગિન્નીનાં પરિવારે રૂ. ૫૫ લાખ લગ્ન પાછળ ખર્ચ કર્યાં છે. જેમાંથી ૨૫થી ૩૦ લાખ માત્ર ભોજન પાછળ જ ખર્ચ્યા છે. ભોજનમાં ચાઈનીઝ, પંજાબી, કોન્ટિનેન્ટલ ફૂડ મહેમાનોને સર્વ કરવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે એક પ્લેટ રૂ. ૩ હજારની હતી. ૫૦૦ જાતની વિવિધ વાનગીઓ સર્વ કરવામાં આવી હતી. આટલું જ નહીં ૧૮-૨૦ જાતના તો માત્ર સ્ટાર્ટર જ હતાં. ડેકોરેશન પાછળ ૧૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આખા ભારતમાંથી મહેમાનો આવ્યા હતાં. કપિલને લાલ રંગ ઘણો જ પસંદ છે અને તેથી જ ખાસ કોલકતાથી ઓર્ચિડ તથા સ્પેશ્યિલ ગુલાબના ફૂલો મંગાવવામાં આવ્યા હતાં. લંડન, થાઈલેન્ડ તથા યુરોપથી ૮૦ શેફ આવ્યા હતાં. જેમણે સ્પેશ્યિલ લાઈવ કાઉન્ટર ચલાવ્યા હતાં.