સંતોષ રાય નામની વ્યક્તિએ ૧૬મી જાન્યુઆરી ૨૦૦૮ના રોજ કોમેડી સ્ટાર ગોવિંદાએ તેને થપ્પડ મારીને ધમકાવવાનો પ્રયાસ કર્યો એવી ફરિયાદ પોલીસમાં કરી હતી અને બોમ્બે હાઇ કોર્ટે સંતોષની ફરિયાદ ફગાવી દીધી હતી. એ પછી સંતોષે સુપ્રીમમાં આ મુદ્દે અપીલ કરી હતી. સોમવારે કોર્ટે આ ઘટનાનો વીડિયો જોઈને ગોવિંદાને કહ્યું કે, તમે મોટા હીરો છો. મોટું મન રાખો. એક હીરો જે રીલ લાઇફમાં કહે છે, તે તેણે રિયલ લાઇફમાં કરવાની જરૂર નથી. જસ્ટીસ ટીએસ ઠાકુર અને વી. ગોપાલ ગૌડાની બેચે ખુલ્લી અદાલતમાં કહ્યું કે, અમે તમારી ફિલ્મોનો આનંદ ઉઠાવીએ છીએ, પરંતુ તમે કોઈને લાફો મારો તે સહન કરી શકાય નહીં. તમે સંતોષ રાયની માફી માગીને આ કેસની અદાલતની બહાર પતાવટ કરી શકો છો.