અમિતાભ બચ્ચને થોડા દિવસ પહેલા એક ઇન્ટરવ્યુમાં પોતાના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતોનો પ્રથમવાર ખુલાસો કર્યો છે. તેમણે આ ઇન્ટરવ્યૂમાં પોતાના અંગત જીવન, હરીફ કલાકારો અને ફિલ્મી કારકિર્દી સાથે જોડાયેલી વાતો જણાવી હતી.
બચ્ચને જણાવ્યું હતું કે, ‘ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મને ખૂબ સન્માન મળ્યું છે. હું મારી જાતને કોઈ મોટો અભિનેતા નથી માનતો. સાચા સ્ટાર તો વિનોદ ખન્ના અને શત્રુઘ્ન સિંહા છે. તેમને દરેક ક્ષેત્રમાં સફળતા મળી છે. તેમને ફિલ્મોમાં હીરો કે વિલનની ભૂમિકામાં દર્શકોએ પસંદ કર્યા છે.’ બચ્ચને વધુમાં જણાવ્યું હતું કે, ‘વિનોદ અને શત્રુઘ્ન ફિલ્મો સિવાય રાજકારણમાં સફળ રહ્યા છે. તેમની જેમ હું રાજકારણમાં જોડાયો હતો પણ મને તેમાં સફળતા મળી નહોતી.’ વિનોદ અને શત્રુઘ્નને રાજકારણમાં ઓછું મહત્ત્વ આપવામાં આવ્યું છે. બચ્ચનને બીજા ક્ષેત્રે નિષ્ફળતાનો સામનો કરવો પડયો છે.
બચ્ચને પોતાના અંગત જીવન વિશે કહ્યું કે, મારા ઘરમાં જ્યારે કોઈ કઠણ નિર્ણય લેવાનો હોય અને પરિજનો નિર્ણય લેતાં વિચારતાં હોય ત્યારે અમે અમારી દીકરી શ્વેતાનો સંપર્ક કરીએ છીએ. તે અમારા પરિવારની નિર્ણયકર્તા છે. તેની સલાહ પર કોઈ મતભેદ નથી થતો.’ તેમણે કહ્યું કે, મને રોજ એક ડર સતાવે છે, જેમાં અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી પેઢી આવી છે અને તે સારું કામ કરે છે ત્યારે મને ભવિષ્યમાં ફિલ્મોમાં કામ મળશે કે નહીં તેનો ડર લાગે છે. ઉલ્લેખનીય છે કે, બચ્ચન અત્યારે થોડા સમય પહેલા પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘પીકુ’ની સફળતાનો આનંદ માણી રહ્યા છે અને હવે ‘વજીર’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત બન્યા છે.