ગણેશચતુર્થી પર્વથી જ દેશની સાથે સાથે બોલિવૂડમાં પણ ગણપતિ બાપ્પા મોર્યા...નો નાદ ગૂંજી રહ્યો છે. ગણપતિજી પ્રત્યેની આસ્થાની આ ઉજવણીમાં અનેક સેલિબ્રિટી પરિવારો ઉત્સાહભેર જોડાયા છે. કિંગખાન શાહરુખ ખાને પોતાના ઘરે ગણેશજીના પૂજન સાથે ગણેશચતુર્થીની શુભેચ્છા પાઠવી હતી. તો સાઉથના મેગાસ્ટાર ચિરંજીવી અને તેના દીકરા રામચરણે પરિવાર સાથે પોતાના ઘરે ગણેશજીનું પૂજન કર્યું હતું. આ ઉપરાંત અનન્યા પાંડે, અનુષ્કા શર્મા, શ્રદ્ધા કપૂર, સોનુ સૂદ, શિલ્પા શેટ્ટી, સોનાલી બેન્દ્રએ પણ પોતાના ઘરે ગણેશજીનું સ્થાપન કર્યું હતું. ડિઝાઈનર મનિષ મલ્હોત્રા અને કરણ જોહરના ઘરે ગણેશજીના પૂજન માટે અનેક સ્ટાર્સ ભેગા થયા હતા. મનીષે આ પ્રસંગે રવિના ટંડન, ઊર્મિલા માતોંડકર, કિયારા - સિદ્ધાર્થ, મલાઈકા - અમૃતા અરોરા સાથેના ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. શર્વરી વાઘ ગણેશોત્સવ માટે મુંબઈ છોડીને પોતાના પૈતૃક ઘરે પહોંચી છે. સલમાન ખાન - અરબાઝ ખાન સહિત સમગ્ર પરિવારે બહેન અર્પિતા ખાન-શર્માના ઘરે ગણેશજીનું પૂજન કર્યું હતું. કાર્તિક આર્યન મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યો હતો. ફિલ્મ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીઝના સ્ટાર્સ દ્વારા ગણેશોત્સવની ધામધૂમથી ઊજવણી શરૂ કરવામાં આવી છે. વાજતે-ગાજતે ગણપતિજીના સ્થાપન સાથે શરૂ થયેલા મહોત્વસને વિસર્જન બાદ વિરામ મળશે.