ધાર્મિક - સામાજિક ગુજરાતી ફિલ્મોથી અભિનયની કારકિર્દી શરૂ કરી હિંદી ફિલ્મો અને ટેલિવિઝન ક્ષેત્રે પણ સફળતા મેળવનારા જાણીતા અભિનેતા શ્રીકાંત સોનીનું ૨૮મી ઓક્ટોબરે ૭૨ વર્ષની વયે અવસાન થયું હતું. વર્ષ ૧૯૭૨માં ખૂબ નાની ઉંમરે ફિલ્મ ‘નાગપંચમી’થી શ્રીકાંત સોનીએ અભિનય શ્રેત્રે પદાર્પણ કર્યું હતું અને તેમાં તેમની નાની પણ ચોટદાર ભૂમિકા હતી. ત્યાર બાદ સફળ ધાર્મિક ફિલ્મોની હારમાળા તેમના અભિનય અને નિર્માણ તેમજ દિગ્દર્શનથી ઓપતી હતી, ૧૯૭૯માં ‘હર હર ગંગે’, ૧૯૮૧માં ‘ભગત ગોરા કુંભાર’ અને ૧૯૮૫માં ‘ભગવાન શ્રી કૃષ્ણ’ ફિલ્મમાં તેમની ભૂમિકાઓ લોકચાહના પામી હતી. આ ફિલ્મો ઉપરાંત પણ વર્ષ ૧૯૭૬માં ‘ભાદર તારા વહેતા પાણી’ જેવી સફળ ગુજરાતી ફિલ્મમાં તેમણે સુંદર ભૂમિકાથી વાહવાહી મેળવી હતી. શ્રીકાંત સોનીએ ૨૦૦થી વધુ ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકાઓથી ગુજરાતી પડદાને સતત ગાજતો રાખ્યો હતો.
ટચૂકડે પડદે ટીવી શ્રેણી ‘હમારી દેવરાની’માં પણ
શ્રીકાંત સોનીનો અભિનય વખણાયો હતો.