‘તાલ‘, ‘હેરાફેરી’, ‘હમરાઝ’ જેવી બોલિવૂડની ફિલ્મોમાં ભૂમિકા ભજવનાર તેમજ ગુજરાતી રંગમંચના અનેક નાટકોમાં અભિનયના ઓજસ પાથરનાર ગુજરાતી અભિનેત્રી ભૈરવી વૈદ્યનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. છેલ્લાં સાડા ચાર દસકાથી અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલા ભૈરવી વૈદ્યએ અનેક નાટકો, ટીવી સિરિયલો તથા ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ગુજરાતી રંગભૂમિ સાથે જોડાયેલા તેમના સાથી કલાકારોએ તેમને યાદ કરતાં જણાવ્યું હતું કે ભૈરવી વૈદ્ય સ્વભાવે મૃદુ હતા અને તેઓ પાત્ર પણ એવાં જ ભજવતાં હતા. ગુજરાતી ફિલ્મ ‘વેન્ટીલેટર’માં તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
તેમની નાટ્યયાત્રાની શરૂઆત વિશે એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે “મારા પિતા મિત્ર નાટક કંપની ચલાવતા હતા અને તેમના નાટકમાં એક કલાકારની જગ્યા ખાલી પડતા મારા પિતા પાસે મને નાટકમાં લેવાની અનુમતિ માંગી હતી, અને ત્યારથી સ્ટેજ પર પહેલી વાર પગ મુક્યો હતો.
ગુજરાતી રંગભૂમિના અનેક કલાકારોએ તેમની સાથે કામ કરતી વખતના સંસ્મરણો વાગોળીને તેમને અંજલિ પાઠવી છે. તેઓ હંમેશા કલાકારો પ્રત્યે પ્રેમાળ વર્તન દાખવતા હતા અને પરિવારના સભ્યની જેમ રહેતા હતા તેમ આ કલાકારોએ જણાવ્યું હતું. આવા ઉમદા અભિનેત્રી ભૈરવી વૈદ્યના નિધનથી ગુજરાતી અભિનયક્ષેત્રને કદી ન પુરાય તેવી એક ખોટ પડી છે. તેમની અંતિમવિધિ પરિવારજનો દ્વારા ઓશિવીરા સ્મશાનગૃહે સંપન્ન થઇ હતી.