મુંબઈઃ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’એ બે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ મેળવીને ઇતિહાસ રચ્યો છે. ૬૬ વર્ષનાં ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે જ્યારે કોઈ ગુજરાતી ફિલ્મને ફિચર ફિલ્મ કેટેગરીમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હોય. નારી સશક્તિકરણનો સંદેશ આપતી આ ફિલ્મ આગામી ઓક્ટોબરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના ડિરેક્ટર અને એક્ટર અભિષેક શાહ છે. તો કચ્છની ધરાની વાત કહેતી આ ફિલ્મના ડાયલોગ સૌમ્ય જોશીએ લખ્યા છે.
ફિલ્મમાં દિગ્દર્શન અને અભિનય ઉપરાંત રાઇટર અને કાસ્ટિંગ ડિરેક્ટરની પણ જવાબદારી સંભાળનાર અભિષેક શાહ કહે છે કે ‘ગુજરાતી સિનેમા અને ૬૬ વર્ષના નેશનલ એવોર્ડસનાં ઇતિહાસમાં પહેલી વાર એવુ બન્યું છે જ્યારે કોઈ ગુજરાતી ફિલ્મને આ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. એથી હું અને મારી આખી ટીમ ખૂબ ખુશ છીએ. સાથે જ અમારી ફિલ્મને પહેલી વાર રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે. હું ગુજરાતી સિનેમા માટે ખૂબ આનંદ અનુભવું છું.’ ઉલ્લેખનીય છે કે અભિષેક શાહે ઘણી જાણીતી ગુજરાતી ફિલ્મોનું કાસ્ટિંગ કર્યું છે તો તેઓ ખૂબ સારા થિયેટર રાઇટર પણ છે.
આ ફિલ્મ કચ્છની એક લોકકથા આધારિત છે. ફિલ્મ વિશે અભિષેક શાહ કહે છે, ‘અમે જ્યારે ફિલ્મ બનાવતા હતા ત્યારે જ ખ્યાલ હતો કે કશુંક મોટું કરી રહ્યા છીએ. પણ, એ ખ્યાલ નહોતો કે આ ફિલ્મને દેશની બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળી જશે. અમે ફિલ્મ બનાવવામાં સખત મહેનત કરી છે. ૩૨ દિવસ શૂટિંગ ચાલ્યું તે અમારામાંના ઘણાં ખરા એક્ટર્સ અને ક્રુ મેમ્બર્સ માટે ખૂબ જ ચેલેન્જિંગ દિવસો હતો.’
ફિલ્મની વાર્તા વિશે તેઓ કહે છે, ‘સંવત ૧૫૧૧માં કચ્છના વ્રજવાણી ગામે આહિરાણીઓ સતી થઇ હોવાનો ઉલ્લેખ છે. તેમાં જણાવાયા પ્રમાણે એક કબીલાઓની મહિલાઓ જે ઢોલીના તાલે રાસ રમી રહી હતી તે ઢોલી બીજા વિરોધી કબીલાનો હતો. તલવારના ઘા એ ઢોલી ઢળી પડતાં તેની પાછળ આઘાતમાં આવી જઇને ૧૪૦ આહિરાણીઓ સતી થઇ ગઇ હતી. આ ફિલ્મ મૂળ વાર્તાથી ઘણી અલગ છે. અમે તેને ૧૯૭૫ના અરસામાં ભજવી છે. આ મૂળ વાર્તાનું પોત, ઢોલી અને મહિલાઓ લઇને બાકીનાં ઘણાં ફેરફારો અમે કર્યા છે. આ એક પિરિયોડિક ફિલ્મ છે. માટે અમે આ ફિલ્મ ઓથેન્ટિક લાગે તેનો બરાબર ખ્યાલ રાખ્યો છે. આ માટે એક્ટર્સે વર્કશોપ્સમાં તેમની બોલચાલથી માંડીને એક્સપ્રેશન પર ખૂબ જ કામ કર્યું છે.’
સંગીત ફિલ્મનો ખૂબ જ અગત્યનો હિસ્સો છે તે વાત કરતાં મ્યુઝિક ડિરેક્ટર મેહુલ સુરતીએ કહ્યું હતું કે આ ફિલ્મમાં ચાર ગીતો છે. ચારેચાર ગીતોનું ફોર્મ ગરબાનું છે. અભિષેકે મને આ ગરબા તૈયાર કરવા માટે માત્ર એક જ મહિનાનો સમય આપ્યો હતો કારણ કે જ્યાં શૂટિંગ કરવાનું હતું તે સ્થળ વર્ષનો અમુક જ સમય પાણીમાંથી બહાર આવતું હોય છે. ફિલ્મની વાર્તા મેં સાંભળી તે દિવસથી જ એ નક્કી હતું કે આ ફિલ્મ તો મારે કોઇ પણ રીતે કરવી જ છે.’
‘રેવા’ શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ
એક તરફ રાજ્યભરમાં ભરપૂર મેઘમહેર સાથે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હતી તો બીજી તરફ નવમી ઓગસ્ટે ૬૬મા નેશનલ એવોર્ડસની જાહેરાત કરાઇ હતી. જેમાં નર્મદા પરિક્રમા કરાવતી ફિલ્મ ‘રેવા’ને પ્રાદેશિક ભાષાની શ્રેણીમાં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ જાહેર થયો છે.
જેમના પુસ્તક ‘તત્વમસી’ પરથી ‘રેવા’ ફિલ્મ બની છે તેવા જાણીતા લેખક ધ્રુવ ભટ્ટે કહ્યું હતુંઃ ‘નર્મદા ડેમના દરવાજા ખુલ્યા તે જ દિવસે ‘રેવા’ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યાની જાહેરાત થઇ છે. આ બન્ને ઘટનાઓ એક જ દિવસે બની છે તેથી આનંદની લાગણી અનુભવુ છું. રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર પુસ્તક પરથી બનેલી ફિલ્મને પણ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો તેનો અર્થ એ થયો કે, ફિલ્મ સર્જકોએ પણ એ બધું અનુભવ્યું છે, જે લેખકે પુસ્તકમાં રજૂ કર્યું છે.’
હાલ કરમસદમાં વસવાટ કરતા ધ્રુવ ભટ્ટે કહ્યું હતું કે ટીમ રેવાને ખૂબ ખૂબ અભિનંદન, હું આનંદની લાગણી અનુભવુ છું. હું નર્મદાપ્રેમી છું. નર્મદાકિનારેથી ૧૩ કિ.મી. દૂર આવેલા માંડુ ગામે હતો ત્યારે જર્મન ફેમિલી સાથે મુલાકાત થઇ હતી. તેમણે મને પૂછયું હતું કે, તમારા રીવાજો કેમ જુદા-જુદા હોય છે? આ પ્રશ્નનો જવાબ એ છે કે, ભારતીય લોકો ધર્મને નહીં, પણ અધ્યાત્મને જીવનનો પાયો માને છે. બ્રહ્મ સાથે સંકળાયેલા લોકો કોઇ પણ ધર્મ પાળતા હોય પણ બધા તે એક જ પિતાની સાધના કરે છે.’