સોથી વધુ ગુજરાતી અને હિન્દી ફિલ્મો ઉપરાંત ટીવી સિરિયલ્સમાં પણ અભિનય આપનારાં અભિનેત્રી રીટા ભાદુરીએ ૧૬મી જુલાઈએ અંતિમ શ્વાસ લીધાં હતાં. તેઓ કિડનીની બીમારીથી પીડાતાં હતાં.
રીટાનાં નિધનની માહિતી સિનિયર એકટર શિશિર શર્માએ ટ્વિટ કરીને આપી હતી. શિશિરે કહ્યું કે, ઘણા દુખની સાથે હું એ વાતની માહિતી આપી રહ્યો છું કે રીટા ભાદુરી આપણી વચ્ચે રહ્યાં નથી. અભિનેત્રીનાં અંતિમ સંસ્કાર ૧૭ જુલાઇના રોજ બપોરે ૧૨ વાગ્યે અંધેરી ઇસ્ટ, મુંબઇમાં થયાં હતાં.
છેલ્લાં કેટલાંક દિવસથી રીટા ભાદુરીની તબિયત સારી નહોતી. તેમને કિડનીની બીમારીના કારણે અઠવાડિયામાં ત્રણેક દિવસ ડાયલિસિસ માટે લઇ જવા પડતા હતા. ખરાબ તબિયત છતાં રીટા પોતાનું શૂટિંગ પૂરું કરી રહ્યાં હતાં. જ્યારે પણ તેમને ખાલી સમય મળે તો તેઓ સેટ પર જ આરામ કરતાં હતાં.
તેમનાં કામ પ્રત્યેની નિષ્ઠા જોઇને જ ‘નિમકી મુખ્યા’ના શૂટિંગનું શિડ્યુલ તેમની તબિયત પ્રમાણે જ નક્કી કરાતું હતું. રીટાએ આ અંગે વાત કરતાં કહ્યું હતું કે વૃદ્ધાવસ્થાની બીમારીઓના ડરથી શું કામ કરાવનું છોડી દેવું? મને કામ કરવું અને વ્યસ્ત રહેવું પસંદ છે. મને દરેક સમયે મારી ખરાબ તબિયત અંગે વિચારવાનું પસંદ નથી, આથી હું પોતાને વ્યસ્ત રાખું છું. હું નસીબદાર છું કે મને સપોર્ટિવ અને સમજનાર કાસ્ટ અને ક્રૂ મળ્યાં છે. આવા લોકોની સાથે કામ કરવાની તક મારા માટે ખૂબ જ શ્રેષ્ઠ કામ કરવા માટે પ્રેરે છે.
રીટા ભાદુરીએ પોતાના કેરિયરની શરૂઆત મલયાલમ ફિલ્મોથી કરી હતી. ત્યારબાદ તેમણે હિન્દી, ગુજરાતી ભોજપુરી, બંગાળી, મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
વર્ષ ૨૦૧૨માં તેમણે ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઇશ’માં વૃદ્ધ મહિલા તરીકે કામ કર્યું હતું. તે ઉપરાંત તેમની નામાંકિત ગુજરાતી ફિલ્મોમાં ‘પારકી જણી’, ‘ઘેર ઘેર માટીના ચૂલા’, ‘સમયની બલિહારી’, ‘ચૂંદડીના રંગ’, ‘ચંદન ચાવાળી’, ‘અખંડ ચૂડલો’નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ‘મૈં માધુરી દીક્ષિત બનના ચાહતી હું’, ‘દિલ વિલ પ્યાર વ્યાર’, ‘ક્યા કહેના’, ‘જુલી’, ‘બેટા’, ‘વિરાસત’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ તેમની ભૂમિકા વખણાઈ હતી. તેમણે સંખ્યાબંધ ધારાવાહિક જેવી કે ‘સારાભાઇ વર્સિસ સારાભાઇ’, ‘હદ કર દી’, ‘છોટી બહુ’, હસરતેં, ‘કુમકુમ’ અને ‘બાની’માં પણ અભિનય આપ્યો હતો.