ગુજરાતની છોકરીઓ બહુ ઓછી હિન્દી ફિલ્મોમાં દેખાય છે અથવા તો તેમને બહુ ઓછી તક મળે છે. મધુર ભંડારકરની નવી ફિલ્મ ‘કેલેન્ડર ગર્લ્સ’થી ગાંધીનગરની અવની મોદી હિન્દી ફિલ્મોમાં પ્રવેશી રહી છે. અવની મોદી ફિલ્મોમાં બોલ્ડ સીન વિશે જણાવે છે કે, ‘ગુજરાતી ગર્લ બોલ્ડ કેમ ન હોય? ગુજરાતી ગર્લ બોલ્ડ સીન ન ભજવી શકે તેવી માન્યતા હું તોડવા માગું છું. ગુજરાતી છોકરીઓમાં સુંદરતા અને ટેલન્ટ હોય છે. અંગપ્રદર્શન એ તો ફિલ્મનો એક ભાગ હોય છે અને એવા દૃશ્ય ભજવવા માટે આત્મવિશ્વાસ જોઈએ.’
ગાંધીનગરમાં રહેતી અને મુંબઇમાં છેલ્લાં ચાર વર્ષથી કારકિર્દી માટે સંઘર્ષ કરી રહેલી અવની કહ્યું કે, ‘કોમન ફ્રેન્ડ નીરજ ગુપ્તાએ મધુર ભંડારકર સાથે મારી મુલાકાત કરાવી હતી. ‘કેલેન્ડર ગર્લ્સ’ ફિલ્મ માટે ૧૫૦૦ છોકરીઓની ઓડિશન થયું હતું અને બે રાઉન્ડના અંતે આ ફિલ્મની પાંચ ગર્લમાંથી એક ગર્લ તરીકે મારી પસંદગી થઈ હતી.’
અવની ધોરણ-૮માં અભ્યાસ કરતી હતી ત્યારથી તેને ફિલ્મોમાં કામ કરવું હતું. તેણે અમદાવાદની એચ. એલ. કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તે કહે છે કે, ‘કોલેજમાં નાટકોમાં કામ કરતાં મને કોન્ફિડન્સ આવ્યો. મેં ટીવીમાં એન્કરિંગ કર્યું હતું. મારે બોલિવૂડમાં જવું હતું. મારા પપ્પા વિનોદભાઈએ મને પ્રોત્સાહન આપ્યું અને હું મુંબઈ પહોંચી. જ્યાં થિયેટર જોડાઈ. પછી સંપર્ક થયા અને મોડેલિંગનું કામ મળ્યું.’
૨૦૧૩માં તેને દક્ષિણની ફિલ્મોની ઓફર મળી અને બે તામિલ ફિલ્મ ‘નાન રાજા વાગા પોગિરિન’માં અને ‘સ્ટ્રોબેરી’માં કામ કર્યું. ‘સ્ટ્રોબેરી’ રિલીઝ થવાની તૈયારીમાં છે. એ ઉપરાંત હોલીવૂડના દિગ્દર્શક તુષાર ત્યાગી સાથે આંતરરાષ્ટ્રીય લઘુ ફિલ્મ ‘ગુલાબી’માં પણ અવનીએ અભિનય કર્યો છે.