સુપ્રસિદ્ધ કોમેડી શો ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’માં પલકનું કિરદાર નિભાવતા કીકુ શારદાને ડેરા સચ્ચા સોદાના આધ્યાત્મિક ગુરુ ગુરમિત રામ રહીમની મજાક ઉડાડવા બદલ ૧૩મી જાન્યુઆરીએ હરિયાણાની કૈથલ પોલીસે ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં મુંબઈથી ધરપકડ કરી હતી. ડેરા સચ્ચા સોદાના અનુયાયીઓનો આરોપ હતો કે, ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ના એક એપિસોડમાં બાબા ગુરમિત રામ રહીમની આ શોના કોમેડિયનોએ મજાક ઉડાડી હતી જેનાથી તેમની ધાર્મિક લાગણી દુભાઈ હતી.
આ કેસમાં કીકુ સહિત સુનિલ ગ્રોવર (ગુત્થી), અસગર અલી (ડોલીદાદી), રાજીવ ઠાકુર, પૂજા બેનરજી, મુન્ના રાય, ગૌતમ ગુલાટી અને સના ખાન વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. એમાંથી કીકુની ધરપકડ કરાઈ હતી અને એ જ દિવસે સાંજે તેને જામીન પણ મળી ગયા હતા. રામ રહીમના સમર્થકોનો આરોપ હતો કે, જશ્ન-એ-આઝાદી કાર્યક્રમમાં કીકુએ ગુરમિત રામ રહીમ જેવો વેશ ધારમ કરીને દારૂ પીરસીને છોકરીઓ સાથે અશ્લીલ ડાન્સ કર્યો હતો.
આ ઘટના પછી કીકુએ માફી માગીને જણાવ્યું હતું કે, અમે કલાકાર છીએ અને અમારું કામ લોકોને હસાવવાનું છે. અમારો હેતુ કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. જો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું હાથ જોડીને માફી માગું છું.
ગુરમિતજી મીડિયા સામે ખુલાસો કરે : કપિલ શર્મા
તો આ મામલે સમગ્ર શોનું સંચાલન કરનાર કોમેડિયન કપિલ શર્માએ ટ્વિટર પર ગુરમિત રામ રહીમને અરજ કરતાં લખ્યું હતું છે કે, મેરા સંત રામ રહીમસિંહજી ‘ઇન્સાન’ને મારું એક નિવેદન છે કે આ મામલે તેઓ મીડિયા સામે આવીને એક કલાકાર જે દુનિયામાં ફક્ત ખુશી વહેંચવાનું કામ કરી રહ્યો છે, તેની સાથે ઊભા રહીને સમગ્ર દુનિયામાં માનવતાનો દાખલો રજૂ કરે.