બોલિવૂડમાં આગવું સ્થાન ધરાવતા નિર્માતા પહલાજ નિહલાનીના મતે ગોવિંદાની કારકિર્દીના પતનનું કારણ છે તેની અંધશ્રદ્ધા. નિહલાનીએ ફિલ્મ ઉદ્યોગના એક સમયના નંબર વન હીરો ગોવિંદા સાથે ‘ઈલઝામ’, ‘શોલા ઔર શબનમ’, ‘આંખે’ જેવી ઘણી હિટ ફિલ્મો બનાવી છે. નિહલાનીએ કહ્યું કે ગોવિંદાનો અંધવિશ્વાસ તેની કરિયર બરબાદ થવાનું મુખ્ય કારણ છે. નિહલાનીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કેવી રીતે ગોવિંદાની કારકિર્દી બરબાદ થઈ ગઈ. તેમણે કહ્યું હતું, ‘ગોવિંદા ધીરે ધીરે અંધશ્રદ્ધાળુ બની ગયો હતો. અંધશ્રદ્ધાને કારણે તે લોકોને કપડાં બદલવાની સૂચના આપતો હતો. તેને લાગતું હતું કે સેટ પરનું ઝુમ્મર પડી રહ્યું છે અને તે લોકોને બીજી તરફ જવાનું કહેતો હતો. ચોક્કસ દિવસોમાં તે શૂટિંગ કરવાની ના પાડતો. શૂટિંગ માટે હંમેશા મોડા આવતો. સેટ પર મોડા આવવાની આ આદત અને અંધશ્રદ્ધા આખરે તેને પતન તરફ દોરી ગઈ.’
ગોવિંદાએ તેના ઈન્ટરવ્યૂમાં અનેક વખત દાવો કર્યો છે કે તેને ડિરેક્ટર જેમ્સ કેમરોનની ફિલ્મ ‘અવતાર’ ઓફર થઇ હતી, પરંતુ તેણે નકારી કાઢી હતી. નિહલાનીએ ગોવિંદાના આ દાવાને પણ ફગાવ્યો છે. તેઓ કહે છે કે, ‘મેં ગોવિંદા સાથે ‘અવતાર’ નામની ફિલ્મ શરૂ કરી હતી, પરંતુ ફિલ્મ પૂરી ન થઈ શકી. ખબર નહીં ‘અવતાર’ શિર્ષકથી તેના મગજમાં શું આવ્યું કે તેણે દાવો કરવાનું શરૂ કર્યું કે તેને હોલિવૂડની ફિલ્મ ‘અવતાર’ ઓફર થઇ હતી. તેના મગજની ડિસ્ક ફરતી થઈ અને વાત હિન્દીમાંથી અંગ્રેજી સુધી પહોંચી ગઈ.’