અકસ્માતે પોતાની રિવોલ્વરમાંથી ગોળી છૂટતાં ઇજાગ્રસ્ત થયેલા અભિનેતા ગોવિંદાને આખરે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. શુક્રવારે હોસ્પિટલમાંથી બહાર આવતી વખતે બે હાથ જોડીને તેમણે સૌનું અભિવાદન કર્યું હતું અને પોતાની રિકવરી માટે પ્રાર્થનાઓ કરનારા ચાહકોનો જાહેર આભાર માન્યો હતો. ગોવિંદાને પગે સર્જરી થઈ હોવાથી વ્હિલચેર પર જ બહાર આવ્યો હતો. તબીબોએ તેને ચાર સપ્તાહ સુધી સંપૂર્ણ આરામની સલાહ આપી છે. પછી તેણે ફિઝિયોથેરાપી પણ લાંબા સમય સુધી કરવી પડશે. ઉલ્લેખનીય છે કે ગઈ પહેલી ઓક્ટોબરે ગોવિંદાને તેના ઘરે તેની પોતાની જ રિવોલ્વરમાંથી છૂટેલી ગોળીથી પગમાં ઈજા થઈ હતી. ગોવિંદાના દાવા મુજબ પોતે પરોઢે કોલકતા જવાનું હોવાથી ફટાફટ નીકળવાની ઉતાવળમાં રિવોલ્વર કબાટમાં મૂકી રહ્યો હતો ત્યારે તેના હાથમાંથી છટકી ગઈ હતી. રિવોલ્વર બહુ જૂની હોવાથી તેના લોકનો ભાગ ખરાબ હતો. આથી, તે અનલોક જ હતી અને તેમાંથી અચાનક ગોળી છૂટી હતી. જોકે, આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસને ગોવિંદાની આ થિયરી પર બહુ ભરોસો પડયો નથી. તેણે ગોવિંદા તથા તેના પરિવારજનોનાં નિવેદનો લીધાં છે અને આ રિવોલ્વર પણ ફોરેન્સિક તપાસ માટે જપ્ત કરી છે. ગોવિંદા હાલ મહારાષ્ટ્રમાં સત્તા ધરાવતી મુખ્યપ્રધાન એકનાથ શિંદેની શિવસેનાનો હોવાથી આ કેસની તપાસમાં પોલીસ સાચવીને આગળ વધી રહી છે. ગોવિંદાને હોસ્પિટલમાં મળવા માટે રવીના ટંડન, શત્રુધ્ન સિંહા, રાજપાલ યાદવ સહિતના કેટલાય કલાકારો પહોંચ્યા હતા. શત્રુધ્નએ ગોવિંદાને કઈ રીતે ગોળી વાગી તે અંગે પ્રવર્તતી તમામ શંકાકુશંકાઓને રદિયો આપ્યો હતો.