આ ફિલ્મમાં ગુજરાતના ગાંધીનગરની અવનિ વિનોદ મોદી ઉપરાંત આકાંક્ષા પુરી, કિરા દત્તા, રુહી સિંહ અને સતરૂપા એમ કુલ પાંચ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. મોડલિંગ કરતી યુવતીઓની લાઇફ કેવી હોય છે અને ઝાકઝમાળ વચ્ચે રહેનારી એ યુવતીઓએ પણ કેવા સંજોગોમાંથી પસાર થવું પડતું હોય છે તે અંગેની વાત ‘કેલેન્ડર ગર્લ્સ’માં દર્શાવવામાં આવી છે.
દેશની એક બહુ જ મોટી કંપનીના કેલેન્ડર માટે નવા ચહેરાની શોધ ચાલે છે અને એ શોધ દરમિયાન હૈદરાબાદમાં રહેતી નંદિતા, લાહોરમાં રહેતી નાઝનીન, ગોવાની શેરોન, રોહતકની મયૂરી અને કોલકાતાની પારોમાની કેલેન્ડર ફેસ માટે પસંદગી થાય છે. આ પાંચેય મોડલ માટે તે એક સુવર્ણ તક છે. તેમની માટે પૈસા, સન્માન, ઉચ્ચ સમાજ, ફિલ્મ, ગ્લેમર બધું જ તેમની સામે આવે છે. આ પાંચેપાંચ મુંબઈ આવે છે અને પોતાની કારકિર્દીની શરૂઆત કરે છે, પણ આ શરૂઆતની સાથે જ તેમની જિંદગી પણ એક એવા વળાંક પર આવે છે કે જ્યાંથી પાછા જવા માટેનો કોઈ રસ્તો બાકી રહેતો નથી. સીધી અને સાદી જિંદગી જીવી રહેલી આ યુવતીઓને નરકની જિંદગીનો અનુભવ શરૂ થાય છે.
એક સમયે ભારતમાં ખૂબ જ જાણીતા ઉદ્યોગપતિ વિજય માલ્યાની કંપની કિંગફિશરનાં કેલેન્ડર બહુ લોકપ્રિય હતા. કહેવાય છે કે આ ફિલ્મ કેલેન્ડર પર ચમકતી મોડલોનાં જીવન પર આધારિત છે.