મુંબઈ: હિન્દી અને મરાઠી ફિલ્મો, નાટકો અને ટીવીની દિગ્ગજ અભિનેત્રી અને નિર્દેશિકા સુલભા દેશપાંડેનું ચોથી જૂને નિધન થયું છે. તેઓ ૮૦ વર્ષનાં હતાં. તેમને હિન્દી અને મરાઠી રંગમંચ પર અભિનય માટે ૧૯૮૭માં સંગીત નાટક એકેડમી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
દાદરના છબીલદાસ ઉચ્ચ વિદ્યાલય ખાતે એક શિક્ષિકા તરીકે કારકિર્દી શરૂ કરનાર સુલભાએ ૧૯૫૦માં નાટકોમાં રસ લેવાનું શરૂ કર્યું હતું. તે પછી તો તેમણે અનેક મરાઠી અને હિન્દી ફિલ્મો, નાટકો અને સિરિયલોમાં કામ કર્યું હતું.
તેમની મુખ્ય ફિલ્મોમાં ‘ભૂમિકા’, ‘ગમન’, ‘આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ’, ‘વિજેતા’, ‘વિરાસત’, અને ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ સામેલ છે. રંગમંચ પર તેમણે ‘શાંતા કોર્ટ ચાલુ આહે’ અને ‘સખારામ બિંદર’ જેવા અનેક મરાઠી નાટકોમાં કામ કર્યું હતું. જ્યારે નાના પડદે તેઓ ‘તન્હા’, ‘બદલતે રિશ્તે’ અને ‘મિસિસ તેંડુલકર’ જેવી અનેક સિરિયલોમાં દેખાયાં હતાં.