આ વખતે નેશનલ અવોર્ડમાં વિજેતા બનેલી ફિલ્મોમાં ગુજરાતી સિનેમાએ ધ્યાન ખેંચ્યું છે. ફુલલેન્થ ફિચર ફિલ્મોની વાત કરીએ તો પેન નલિનની ‘છેલ્લો શો’ને બે એવોર્ડ્ઝ મળ્યા છે - બેસ્ટ ગુજરાતી ફિલ્મ અને ભાવિન રબારીને બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટનો એવોર્ડ. મનીષ સૈનીની ‘ગાંધી એન્ડ કંપની’ ફિલ્મે બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર જીતી લીધો છે. આ ઉપરાંત ‘પાંચીકા’ નામની ફિલ્મ ડિરેક્ટ કરનાર અંકિત કોઠારીને બેસ્ટ ડેબ્યુ નોન-ફિચર ફિલ્મ ઓફ અ ડિરેક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર જાહેર થયો છે. નેમિલ શાહે ડિરેક્ટ કરેલી ‘દાળભાત’ને બેસ્ટ શોર્ટ ફિક્શન ફિલ્મનો અવોર્ડ મળ્યો છે.
ભારત તરફથી ઓસ્કર એન્ટ્રી તરીકે પસંદગી પામેલી અને ખૂબ વખણાયેલી પેન નલિનની ‘છેલ્લો શો’ એક આત્મકથનાત્મક ફિલ્મ છે. તેમાં સૌરાષ્ટ્રના ચલાલા ગામમાં રહેતા સમય (ભાવિન રબારી) નામના નવ વર્ષનો ટાબરિયો શી રીતે સિનેમાની કળાથી મંત્રમુગ્ધ થઈ જાય છે એની હૃદયસ્પર્શી વાત છે. ‘ગાંધી એન્ડ કંપની'માં 11 વર્ષનાં બે તોફાની બારકસ છે - મિન્ટુ અને મિત્ર (ધ્યાની જાની, ક્રિશિલ રાજપાલ) - જેમનામાં ગામના વડીલ ભરતભાઈ (દર્શન જરીવાલા) ગાંધીજીનાં મૂલ્યોનું સિંચન કરવાની ભરપૂર કોશિશ કરે છે. ‘ગાંધી એન્ડ કંપની’ના ડિરેક્ટર મનીષ સૈનીનો આ બીજો નેશનલ અવોર્ડ છે. અગાઉ નસીરુદ્દીન શાહને ચમકાવતી 'ઢ' (2018) નામની ગુજરાતી ફિલ્મ પણ તેઓ નેશનલ અવોર્ડ જીતી ચુકી છે.
અંકિત કોઠારીની ‘પાંચીકા’ કચ્છમાં આકાર લેતી એક ટૂંકી ફિલ્મ છે. સાત વર્ષની મિરી (આરતી ઠાકોર)ને એની હમઉમ્ર સુબા (અંજલિ ઠાકોર) સાથે રમવાની મનાઈ છે, કેમ કે સુબા દલિત કન્યા છે. જોકે નાતજાતના વાડાને ચીરીને પણ એમની વચ્ચે બહેનપણા થઈને જ રહે છે. અંકિત કોઠારી અગાઉ ‘ઓયે લક્કી! લક્કી ઓયે!’, ‘લવ સેક્સ ઔર ધોકા’ અન ‘શાંઘાઈ' નામની હિન્દી ફિલ્મોમાં દિવાકર બેનર્જીને આસિસ્ટ કરી ચુક્યા છે. નેમિલ શાહની શોર્ટ ફિલ્મ ‘દાળભાત’નું બેકડ્રોપ પણ કચ્છ છે, જેમાં દસ વર્ષના એક છોકરાને તળાવમાં નહાવાની સીધીસાદી ઇચ્છામાંથી એવું કશુંક બહાર આવે છે, જેની છોકરાએ અપેક્ષા રાખી નહોતી. ટૂંકમાં, આ વખતના નેશનલ અવોર્ડવિનિંગ ચારેય ગુજરાતી ફિલ્મોમાં બાળકલાકારોએ સપાટો બાલાવ્યો છે.