વારાણસીઃ ગાયક સ્વ. જગજીતસિંહનાં પત્ની અને જાણીતા ગઝલ ગાયિકા ચિત્રા સિંહે તાજેતરમાં ૨૭ વર્ષ પછી માઈક હાથમાં લીધું હતું, પરંતુ તેઓ ગાઈ શક્યા ન હતા. તેમનું ગળું રુંધાઈ ગયું હતું. ચિત્રા વારાણસીમાં સંકટ મોચન સંગીત સમારોહમાં ગયા હતા. કાર્યક્રમ અનુસાર પંડિત વિશ્વનાથના ગાયન પછી ચિત્રા મંચ પર પહોંચ્યા હતા. સંકટ મોચન મંદિરના મહંત પ્રો. વિશ્વંભરનાથ મિશ્રાએ તેમને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કર્યા હતા, પણ અસ્વસ્થતાના કારણે ચિત્રા ગાઈ શક્યા નહોતા અને આખરે તેઓ સ્ટેજ પરથી ઉતરી ગયા હતા. એક સમયના પ્રસિદ્ધ ગઝલ ગાયિકા ચિત્રા સિંહે વર્ષ ૧૯૯૦માં મુંબઈમાં પોતાના યુવાન પુત્ર વિવેકના અકસ્માતમાં મોત પછી ગાવાનું છોડી દીધું હતું. સંકટ મોચન મંદિરમાં મહંતે તેમને પ્રેરણા પણ આપી અને કહ્યું કે હનુમાનજીની કૃપા હશે તો ચિત્રા જરૂર ગાશે, પણ ચિત્રા ગાઈ શક્યા ન હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા અને મંચ પરથી નીચે ઊતરી ગયા હતા.
એક સમયે તેમનો કર્ણપ્રિય અવાજ સાંભળવા લોકો તલપાપડ રહેતા અને આજે પણ તેમની ગઝલો લોકો સાંભળે છે, પણ ચિત્રાએ છેલ્લા ૨૭ વર્ષથી ગાવાનું છોડી દીધું છે.