કોરોના વાઈરસના જન્મસ્થાન ચીનમાં દરેક ઉદ્યોગો સાથે સાથે મનોરંજન માર્કેટ પણ ઠપ્પ થઈ ગયું હતું. જોકે આ નુકસાનમાંથી બહાર આવવા માટે ચીન તૈયાર થયું છે. એક અહેવાલ પ્રમાણે રિપોર્ટરના જણાવ્યા પ્રમાણે, દેશમાં અંદાજે ૬૦૦થી ૭૦૦ સિનેમાગૃહો ચીનમાં ફરીથી શરૂ થઈ ગયાં છે. ચીનને વિશ્વનું બીજું સૌથી મોટું મનોરંજન માર્કેટ અને બોક્સ ઓફિસ માનવામાં આવે છે.
ટિકિટ વેચાણનો ૧૦૦ ટકા હિસ્સો
સિનેમાગૃહોને દર્શકોને લોભાવવા માટે ચીન જૂની હિટ ફિલ્મોને ફરીથી રિલીઝ કરશે. ચીનના ફિલ્મ બ્યુરો થિયેટરોને મદદ કરશે. ચીન ફિલ્મ ગ્રુપની તરફથી જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, થિયેટર્સને જૂની પાંચ હિટ ફિલ્મોની પ્રિન્ટ આપાશે તેમજ ફિલ્મોના સરકારી નિયમનકારોના શેરહોલ્ડરો સાથે થયેલી ડીલ પ્રમાણે, થિયેટરોને ફિલ્મ ટિકિટના વેચાણનો ૧૦૦ ટકા હિસ્સો મળશે. ચીની સિનેમાગૃહોમાં ‘અવતાર’, ‘ઇનસેપ્શન’, ‘ઈન્ટરસ્ટેલર’ અને ‘એવેન્જર્સ સિરિઝ’ રિલીઝ કરવામાં આવશે. તે ઉપરાંત ચીનમાં બનેલી ‘વુલ્ફ વોરિયર ૨’, ‘વુલ્ફ ટોટેમ’ અને ‘અમેરિકન ડ્રીમ્સ ઇન ચાઇના’ પણ થિયેટરોમાં દર્શાવાશે.