‘મદ્રાસ કેફે’ ફિલ્મની અભિનેત્રી લીના પોલ અને તેનો લીવ ઈન પાર્ટનર શેખર ચંદ્રશેખરની મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ધરપકડ કરી છે. બનાવટી રોકાણ કંપનીની સ્થાપના કરીને રૂ. ૧૦ કરોડની ઉચાપત કરી હોવાનો ગુનો દાખલ થયો છે. અનેક કન્નડ ફિલ્મોમાં ભૂમિકા ભજવ્યા બાદ લીના પોલે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેણે જોન અબ્રાહમ સાથે ‘મદ્રાસ કેફે’ કામ કર્યું હતું. પોતાને એક અભિનેત્રી તરીકે સિદ્ધ કરવાની સાથે તેણે તેના પાર્ટનર શેખર સાથે લોકોને છેતરવાનું શરૂ કર્યું હતું.
આ ‘બંટી-બબલી’નું કૃત્ય જાહેર થયું હોવાથી તેઓ અત્યારે જેલમાં છે. લીના અને શેખરે ચિટ ફંડને નામે એક બનાવટી રોકાણની કંપની શરૂ કરી હતી.
એક-દોઢ વર્ષથી લીના અને શેખર આ રેકેટ ચલાવતા હતાં. તેમણે બંનેએ રૂ. ૧૦ કરોડનું કૌભાંડ કર્યું હોવાની માહિતી આર્થિક ગુના શાખાના સહઆયુક્ત ધનંજય કમલાકરે આપી હતી. આ જોડી પાસેથી ૧૩૭ વિદેશી ઘડિયાળ અને સાત મોંઘી કાર જપ્ત કરવામાં આવી છે. ગોરેગામના પોશ વિસ્તારમાં તેઓ રહેતા હતા. આ વિસ્તારમાં ઘર અને ઓફિસનું ભાડું લાખો રૂપિયામાં હોય છે, એમ પણ સહઆયુક્તે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તપાસમાં હજી પણ કેટલાંક નામ સામે આવ્યાં છે. તેમની પણ તપાસ ચાલુ છે.