રામપુર કોર્ટે પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયાપ્રદાની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. રામપુરની એમપી/એમએલએ કોર્ટે પોલીસ અધિક્ષકને અભિનેત્રીમાંથી નેતા બનેલી જયાપ્રદાની ધરપકડ કરીને 27 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે. વરિષ્ઠ પ્રોસિક્યૂશન ઓફિસરે જણાવ્યું હતું કે પૂર્વ સાંસદ સામે સાતમી વાર બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ થયા બાદ પણ તે સોમવારની સુનાવણીમાં કોર્ટમાં હાજર રહ્યાં નથી. પૂર્વ સાંસદ જયાપ્રદા ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘન સાથે સંકળાયેલા બે કેસમાં ફરાર છે. એવું પહેલી વાર નથી બન્યું કે જયાપ્રદા વિવાદમાં છે. ગયા વર્ષે ચેન્નઈની એક અદાલતને જૂના કેસમાં અભિનેત્રી દોષિત જણાઈ હતી, અને તેને છ મહિનાની જેલની સજા કરી હતી તેમજ રૂ. 5000નો દંડ પણ ફટકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે જયાપ્રદાએ પોતાની કેરિયર ટોચ પર હતી ત્યારે ફિલ્મ લાઇન છોડી હતી અને પ્રારંભે 1994માં ટીડીપીમાં જોડાઈ હતી. 2004થી 2014 સુધી તે ઉત્તર પ્રદેશના રામપુરથી સાંસદ હતી.