જૂની ઢબથી બનતી અર્બન ગુજરાતી મૂવીની પ્રથાને તોડીને 2023માં રિલીઝ થયેલી ગુજરાતી ભાષાની સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મ ‘વશ’માં જાનકી બોડીવાલાએ પોતાના અભિનયની એવી છાપ છોડી કે અજય દેવગન દ્વારા ‘વશ’ ફિલ્મની હિન્દી રિમેક બનાવાનું નક્કી કર્યું. અજય દેવગન હંમેશા કાસ્ટિંગ પર વધારે ભાર આપે છે, જેથી તેણે પોતે અભિનય કરવાની સાથે આર. માધવન જેવા સ્ટારને પણ ફિલ્મમાં લીધા. જોકે ગુજરાતી ‘વશ’માં જાનકી બોડીવાલાના અભિનયથી અજય દેવગન એટલા પ્રભાવિત હતા કે તેમણે હિન્દી વર્ઝન ‘શૈતાન’માં પણ જાનકીને જ આ પાત્ર માટે પસંદ કરવાનું નક્કી કર્યું. અજય દેવગન દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવેલી ‘શૈતાન’ ફિલ્મ મૂળ ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રિમેક છે. ગુજરાતી ‘વશ’માં જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા, નિલમ પંચાલ, હિતેન કુમાર અને આર્યન સંઘવી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતાં. જ્યારે ફિલ્મનું નિર્દેશન કૃષ્ણદેવ યાજ્ઞિકે કર્યુ હતું.