બિપિનભાઈ (પંકજ કપૂર)ને એક અનાથ છોકરી આલિયા (આલિયા ભટ્ટ) મળી આવે છે અને તે પોતાના મહેલ જેવા ઘરમાં તેને લઈ આવે છે. આ ઘરમાં દાદી (સુષમા શેઠ)નો જ હુકમ સર આંખો પર રહેતો હોય છે. ખૂબ જ સુંદર અને રમૂજી સ્વાભાવની તોફાની છોકરી આલિયા સૌની વઢ ખાતી રહેતી હોય છે. આલિયાની રાતની ઊંઘ હરામ થઈ જાય છે. દરમિયાન, બિપિનભાઈની આર્થિક સ્થિતિ અંગે તેમને શંકા ઉપજે છે અને પોતે આર્થિક રીતે પાયમાલ ન થાય તે માટે તે પોતાની દીકરી ઈશા (સાના કપૂર)ના લગ્ન એક વિચિત્ર સ્વભાવના સિંધી કરોડપતિ ફંડવાણી (સંજય કપૂર)ના વિચિત્ર ભાઈ સાથે કરાવી દેવાનું વિચારે છે. ડેસ્ટિનેશન વેડિંગ તરીકે ઇંગ્લેન્ડ બાજુનો કોઈ બંગલો પસંદ કરે છે. ત્યાં એન્ટ્રી થાય છે ડેશિંગ વેડિંગ-પ્લાનર જગજિન્દર જોગિન્દર (શાહિદ કપૂર)ની. ઈશાનાં લગ્નની સાથોસાથ આલિયા-જગજિન્દરની લવ-સ્ટોરી સ્ટાર્ટ થઈ જાય છે. હવે આ જોડીની નૈયા લગનના કિનારે કેવી રીતે પહોંચે છે એના માટે શાનદાર જોવું જ રહ્યું.