કંગના રનૌત અને જાવેદ અખ્તર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા માનહાનિના કેસનો નિવેડો આવ્યો છે. જાવેદ અખ્તરે વર્ષ 2020માં એક્ટ્રેસ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસ પાંચ વર્ષથી ચાલી રહ્યો હતો. હવે કંગનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 28 ફેબ્રુઆરીએ સ્ટોરી શેર કરતાં લખ્યું છેઃ ‘આજે જાવેદજી અને મેં માનહાનિ કેસ ઉકેલી નાંખ્યો છે. જાવેદજી ખૂબ જ સારા વ્યક્તિ છે અને મારા દિગ્દર્શન હેઠળની આગામી ફિલ્મમાં ગીતો લખવા માટે પણ તેમણે સંમતિ આપી છે.’
આ મામલો ફિલ્મ ‘ક્રિશ-3’ના શૂટિંગથી શરૂ થયો હતો. ફિલ્મ પછી હૃતિક રોશન અને કંગના રનૌત નજીક આવ્યા હતા. જોકે તે વેળા બંનેએ ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી નહોતી. 2016માં એક ઈન્ટરવ્યૂમાં કંગનાએ હૃતિકને તેનો પૂર્વ પ્રેમી ગણાવ્યો તે પછી મીડિયાને આ વાતની જાણ થઈ. આ પછી જાવેદ અખ્તરની આ મામલે એન્ટ્રી થઈ. કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હૃતિક સાથેના વિવાદ પછી જાવેદ અખ્તરે તેને પોતાના ઘરે બોલાવીને તમારે હૃતિકની માફી માંગવી જોઈએ. જો તમે માફી નહીં માગો, તમારી પાસે બચવાનો કોઈ રસ્તો નથી. આ નિવેદન બાદ જાવેદ અખ્તરે તેમના વકીલ મારફતે 2 નવેમ્બર 2020ના રોજ એક ખાનગી ફરિયાદ દાખલ કરાવી હતી. તેમાં તેમણે એક્ટ્રેસ કંગના રનૌતની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સેક્શન 499 (માનહાનિ) અને સેક્શન 500 (માનહાનિ માટે સજા)ના અંતર્ગત આરોપ લગાવ્યો હતો.