જિતની ઉંમર લિખી હૈ, ઉતની લિખી હૈઃ ‘ભાઇજાન’ની ફિલોસોફી

Tuesday 01st April 2025 09:45 EDT
 
 

માફિયા લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સતત મળતી મોતની ધમકીઓ બાબતે બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને ફિલોસોફિકલ ટોનમાં જવાબ આપતાં જણાવ્યું હતું કે જિતની ઉંમર લિખી હૈ, ઉતની લિખી હૈ. હમણાં સુધી મુંબઇના બાન્દ્રામાં સાયકલ લઈને ફરતાં સલમાન ખાનનો સુરક્ષા બંદોબસ્ત મોતની ધમકીઓના પગલે વધી ગયો હોવાથી તેના હરવાફરવા પર પાબંદીઓ આવી ગઈ છે.
પોતાની ફિલ્મ ‘સિકંદર’ના પ્રમોશનની એક ઇવેન્ટમાં પત્રકારો સાથે વાત કરતાં સલમાન ખાને બુધવારે જણાવ્યું હતું કે ‘ભગવાન - અલ્લાહ સબ ઉપર હૈ. જિતની ઉંમર લિખી હૈ, ઉતની લિખી હૈ. બસ યહી હૈ... મારી સુરક્ષા બાબતે હું કશું કરી શકું તેમ નથી. ખલ્લાસ. હવે હું ઘર ગેલેક્સીથી શૂટ કરવા જાઉં છું અને શૂટ કરી ગેલેક્સી પર પાછો આવું છું. બીજે ક્યાંય જવાનું નહીં.’
1998માં કાળિયારના શિકારના કેસમાં આરોપી સલમાન ખાન જોધપુર કોર્ટમાં હાજરી આપવા ગયો ત્યારે 2018માં જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ તેને મારી નાંખવાની ખુલ્લેઆમ ધમકી આપી તે પછી સલમાનની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. એ પછી એપ્રિલ 2024માં બિશ્નોઈ ગેંગના મનાતાં બે શૂટર્સે ગેલેક્સી પર ગોળીબાર કર્યો હતો. એ પછી સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીને બુલેટ પ્રુફ કાચથી આવરી લેવામાં આવી છે અને સીસીટીવી કેમેરાની સંખ્યા વધારી દેવામાં આવી છે. બે મહિના પછી નવી મુંબઈની પોલીસે દાવો કર્યો હતો કે સલમાન જ્યારે પનવેલમાં આવેલાં તેના ફાર્મ પર જતો હતો ત્યારે તેને મારી નાંખવાનું કાવતરું પકડી પાડ્યું હતું. ઓક્ટોબર 2024માં સલમાનખાનના જિગરી દોસ્ત અને રાજકારણી બાબા સિદ્દીકીની ધોળે દહાડે બાન્દ્રામાં હત્યા થયા બાદ સલમાન ફરતે સુરક્ષાને વધારે કડક બનાવાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter