લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા વીતેલા જમાનાના એક્ટર જૂનિયર મહેમૂદનું સાતમી ડિસેમ્બરે મોડી રાતે નિધન થયું છે. તેઓ 67 વર્ષના હતા. ગુરુવારે મોડી રાત્રે તેમની તબિયત બગડતાં ઓક્સિજનનો સપોર્ટ અપાયો હતો, પણ તેમને બચાવી શકાયા નહોતા. તેમને ફેફસાં અને લીવરના કેન્સરનું નિદાન થયું હતું. તેમજ તેમના આંતરડામાં ગાંઠ હોવાનું જણાયું હતું અને કમળો પણ થયો હતો. શુક્રવારે મુંબઈના સાંતાક્રુઝ કબ્રસ્તાનમાં તેમને સુપુર્દ-એ-ખાક કરાયા ત્યારે બોલીવૂડમાંથી રઝા મૂરાદ, જ્હોની લીવર, અવતાર ગિલ સહિતના કલાકારો હાજર રહ્યા હતા. નસીમ સઈદ એવું મૂળ નામ ધરાવતા જૂનિયર મહેમૂદે પાંચ દાયકાની કારકિર્દી દરમિયાન 250 જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની જાણીતી ફિલ્મોમાં ‘કટી પતંગ’, ‘મેરા નામ જોકર’, ‘પરવરિશ’, ‘દો ઔર દો પાંચ’, ‘બ્રહ્મચારી’, ‘ગીત ગાતા ચલ’ સહિતની ફિલ્મોમાં યાદગાર ભૂમિકા ભજવી હતી. તો મરાઠી ફિલ્મોમાં તેણે સચિન સાથે અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. વીતેલા સપ્તાહે જ જૂનિયર મહેમૂદે વ્યક્ત કરેલી ઈચ્છાને પગલે જિતેન્દ્ર, સચિન પીલગાંવકર, જ્હોની લીવર સહિતના મિત્રો તેની ખબર પૂછવા પહોંચ્યા હતા. સચિન તથા જિતેન્દ્ર જૂનિયર મહેમૂદને મળ્યા તેની તસવીરો પણ વાયરલ થઈ હતી. તેમાં જિતેન્દ્ર તો એક સમયના સાથી કલાકારની હાલત જોઈને રીતસરના રડી પડયા હતા. જૂનિયર મહેમૂદે વીતેલાં વર્ષોમાં બાળ કલાકાર તરીકે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.