મુંબઈઃ ૨૬/૧૧ના હુમલાને દસ વર્ષ થયાં છે. આ હુમલાની દસમી વરસી નિમિત્તે ગેટવે ઓફ ઇન્ડિયા પર એક ઇવેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં શહિદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઇવેન્ટમાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, ગયા વર્ષે આ જ જગ્યાએ આપણે પ્રતિજ્ઞા લીધી હતી કે આપણે ટેરરને આપણા દેશમાં નહીં ટકવા દઈએ. આપણી ભાવિ પેઢીને કોઈ પણ ડર ન રહે એ માટે આપણે એક થવું જરૂરી છે. વિનાશક વિચાર ધરાવતી વ્યક્તિઓ દેશનાં દરવાજા ખખડાવે છે, પરંતુ આપણે તેમની વિચારધારાથી તેમનો સામનો નહીં કરી શકીએ. તેઓ ગનપાવર જોઈને નહીં પણ એક્તાથી ડરશે. તેઓ ઇચ્છે છે કે આપણે આપણી ભાષા, ધર્મ, રાજ્ય અને કલ્ચર દ્વારા વિભાજિત થઈએ. આપણે હંમેશાં એ યાદ રાખવું જોઈએ કે આપણે જ્યાં સુધી એક થઈને નહીં રહીએ ત્યાં સુધી તેઓ આપણા પર હુમલા કરતા રહેશે. એકતા કંઈ સોશિયલ વિકલ્પ નથી, પરંતુ એ એક દેશ બનાવવાની રીત છે. મારા મત મુજબ એકતા દેશ એક હોવાનો પુરાવો છે. મને માફ કરજો આવું કહેવા માટે, પરંતુ જે દેશમાં એકતા ન હોય તો એને દેશ નહીં કહી શકાય.
ખેડૂતોને બેન્ક લોનની ચૂકવણીનું સર્ટિફિકેટ આપ્યું
અમિતાભ બચ્ચને ઉત્તર પ્રદેશના ખેડૂતોની લોન ચૂકવી દીધી છે. મહારાષ્ટ્રના ખેડૂતો બાદ તેમણે અંદાજે ૧૩૯૮ જેટલા ઉત્તર પ્રદેશના ખેડૂતોની લોન ચૂકવી છે. આ માટે તેમણે અંદાજે રૂ. ૪.૦૫ કરોડ ચૂકવ્યા છે. તેમણે ૭૦ ખેડૂતોને બોલાવ્યા હતા અને એ માટે ટ્રેનની ટિકિટ પણ બુક કરાવી આપી હતી. બિગ બીએ તેમની દીકરી શ્વેતા બચ્ચન નંદાના હસ્તે ‘વન ટાઇમ સેટલમેન્ટ વિથ બેન્ક ઓફ ઇન્ડિયા’નું સર્ટિફિકેટ તેમને હાથમાં આપ્યું હતું. તેમના બ્લોગ પર ફોટો શેર કરતાં બિગ બીએ લખ્યું હતું કે ‘ઉત્તર પ્રદેશના ૧૩૯૮ ખેડૂતોમાંના કેટલાક ખેડૂતોને પસંદ કરી તેમને મુંબઈ બોલાવવામાં આવ્યા હતા. ધનની દેવી લક્ષ્મી છે. મારી દીકરી શ્વેતા મારા ઘરની લક્ષ્મી છે. એથી અમારા ઘરની લક્ષ્મીના હસ્તે તેમને ‘વન ટાઇમ સેટલમેન્ટ વિથ બેન્ક ઓફ ઇન્ડિયા’નું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.