બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસે માતાની છત્રછાયા ગુમાવી છે. તેમના માતા કિમ ફર્નાન્ડિસ બોલિવૂડની ઝાકઝમાળથી હંમેશા દૂર રહ્યા, પરંતુ પુત્રી સાથે હંમેશા મજબૂતીથી ઊભા રહ્યા હતા. માતાનું અવસાન થતાં જેકલિનને ભારે આઘાત લાગ્યો છે. જેકલિનના માતા કિમને હૃદયરોગનો હુમલો આવતાં 24 માર્ચના રોજ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરાયા હતા. વીતેલા 13 દિવસથી કિમ આઇસીયુમાં ભરતી હતાં. માતાની તબિયત કથળી રહી હોવાના સમાચાર મળતાં જ જેકલિન તમામ કામ પડતાં મૂકીને મુંબઈ પહોંચી હતી અને માતાની સંભાળ રાખી રહી હતી, પરંતુ રવિવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. નજીકના પરિવારના સભ્યોની હાજરીમાં તેમની અંત્યેષ્ટિ મુંબઈ ખાતે થઈ હતી. માતાની અંતિમ વિદાયના વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા. બોલિવૂડ અભિનેતા સોનુ સુદ સહિતના કેટલાય કલાકારો કિમ ફર્નાન્ડિસના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.