લોનની ચૂકવણી ન કરવાના આરોપસર જેલની સજા ભોગવ્યા બાદ રાજપાલ યાદવે બહાર આવીને જણાવ્યું હતું કે, તે હવે ફિલ્મોના સેટ પર જવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તે જલદી જ ફિલ્મોનું શૂટિંગ શરૂ કરવાનો છે એવું જણાવતા રાજપાલે કહ્યું હતું કે, હું જલદી જ ‘ટાઇમ ટુ ડાન્સ’નું શૂટિંગ સૂરજ પંચોલી અને ઇઝાબેલ કૈફ સાથે શરૂ કરવાનો છું. અમે વિદેશમાં એનું શૂટિંગ કર્યું હતું અને હવે એનું થોડા ભાગનું શૂટિંગ જ બાકી છે. અમે એને જલદી પૂરું કરીશું. આ શૂટિંગ પહેલાં પમ પૂરું થઈ શક્યું હોત, પરંતુ હું પ્રોડ્યુસર અને ડિરેક્ટરનો ખૂબ આભારી છું કે તેમણે મારા પાછા આવવાની રાહ જોઈ. આ સાથે જ હું ‘જાકો રાખે સાંઈયા’ પણ પૂરી કરવાનો છું. હું ડેવિડ ધવન અને પ્રિયદર્શન સાથે પણ ફિલ્મો વિશે ચર્ચા કરી રહ્યો છું. ફિલ્મના સેટ પર જવા માટે હું ખૂબ ઉતાવળો છું. રાજપાલની કંપનીએ ૨૦૧૦માં ફિલ્મ પ્રોડ્યુસ કરવા માટે રૂ. પાંચ કરોડની લોન લીધી હતી, જેની ચૂકવણી ન કરતાં તેને દિલ્હી હાઇ કોર્ટે નવેમ્બર ૨૦૧૮માં ત્રણ મહિનાની સજા સંભળાવી હતી. રાજપાલ સજા પૂરી કરીને ફેબ્રુઆરીમાં જ બહાર આવ્યો છે.