બિપાશા બાસુ અને જ્હોન અબ્રાહમ એક સમયે ઈન્ડસ્ટ્રીનું સૌથી હોટ કપલ મનાતું હતું. બન્નેની ઓન-સ્ક્રીન અને ઓફ-સ્ક્રીન કેમિસ્ટ્રીએ ચાહકોને દિવાના બનાવ્યા હતા. 2002માં ‘જિસ્મ’ના સેટ પર જ્હોન અને બિપાશા નજીક આવ્યા હતા. બન્ને લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા, અને એવું લાગતું હતું કે હવે તેઓ લગ્ન કરશે. પરંતુ પછી 2011માં તેઓ છૂટા પડી ગયા હતા. આ બ્રેકએપ કેમ થયું? શા માટે થયું? બન્નેએ ક્યારેય આ વિશે ખુલીને વાત કરી ન હતી. જોકે બિપાશાએ શાંત સ્વરમાં કહ્યું કે જ્હોને તેની સાથે છેતરપિંડી કરી છે. દગો આપ્યો છે. એવું મનાય છે કે 2010ની આસપાસ, જ્હોન પ્રિયા રૂંચલને તે જ જિમમાં મળ્યો હતો જ્યાં તે બિપાશા સાથે જતો હતો. જ્હોને 2014મા પ્રિયા સાથે લગ્ન કર્યા હતા..
બિપાશાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, બ્રેકઅપ પછી તેનું દિલ તૂટી ગયું હતું. તેના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી હતી. તે સમયગાળો પીડાદાયક હતો અને અભિનેત્રી પણ એકલતાનો શિકાર બની હતી. બિપાશાએ કહ્યું કે, મને એવું લાગ્યું કે જાણે મને તરછોડી દેવાઇ હોય. આજે મને લાગે છે કે તે નવ વર્ષોમાં હું કેટલી મુર્ખ હતી કે મેં એક માણસ માટે બધું છોડી દીધું હતું.
અભિનેત્રીએ આગળ કહ્યું કે, ‘મારું કામથી ધ્યાન ભટકી ગયું હતું. ઘણી ઓફરો નકારી કાઢી અને તે માણસ પડખે પહાડની જેમ ઊભી રહી. મેં તે સંબંધ બચાવવા માટે મારાથી બનતો પ્રયાસ કર્યા હતા.’ બિપાશા કહે છે કે મને એ સમજવામાં મહિનાઓ લાગ્યા કે પોતાનું બ્રેકઅપ થઈ ગયું છે. એવું પણ કહેવાય છે કે બિપાશા લગ્ન કરવા માંગતી હતી, પરંતુ જ્હોને લગ્નની વાત નકારી દીધી. બિપાશા આજે કરણ સિંહ ગ્રોવરની પત્ની છે. એક પુત્રી દેવીની માતા છે. બિપાશાને બે પૂર્વ પ્રેમી ડિનો મોરિયા અને મિલિંદ સોમન સાથે આજે પણ મિત્રતા છે, પણ જ્હોન સાથે તે કોઈ સંબંધ રાખવા માંગતી નથી.