દાયકાઓથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ રહેલા ગુજરાતી એક્ટર ટીકુ તલસાણિયાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. શરૂમાં તેમને હાર્ટ એટેક આવ્યો હોવાના અહેવાલ હતા, પરંતુ બાદમાં તેમના પત્નીએ બ્રેઈન સ્ટ્રોક આવ્યાની જાણ કરી હતી. જોકે તેઓ ખતરાથી બહાર હોવાનું જાણવા મળ્યું છે. હાલ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. 70 વર્ષીય ટીકુ તલસાણિયાના પત્નીએ જણાવ્યું હતું કે શનિવારે તેઓ ફિલ્મના સ્ક્રીનિંગ માટે ગયા હતા. આઠેક વાગ્યાની આસપાસ તેમની તબિયત બગડવા લાગી હતી. તેમને તત્કાળ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ટીકુ તલસાણિયા ‘હમ હૈ રાહી પ્યાર કે’ (1993), ‘અંદાજ અપના-અપના’ (1994), ‘કુલી નંબર 1’ (1995), ‘રાજા હિન્દુસ્તાની’ (1996), ‘જુડવા’ (1997), ‘બડે મિયાં છોટે મિયાં’ (1998), ‘હંગામા’ (2003) અને ‘ધમાલ’ (2002) જેવી ફિલ્મોમાં તેમના કોમિક રોલથી જાણીતા છે. તેમના દીકરી શિખા તલસાણિયા પણ ‘સત્યપ્રેમ કી કથા’, ‘વીરે દી વેડિંગ’ સહિત અનેક ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે.