બાલાજી ટેલીફિલ્મની જાણીતી સિરિયલ ‘ક્યું કિ સાસ ભી કભી બહુ થી’ના બા સુધા શિવપુરીનું ૨૦ મેએ અવસાન થયું હતું. ૭૭ વર્ષનાં સુધા શિવપુરીને ૨૦૧૩માં સ્ટ્રોક આવતાં મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. મુંબઇના ઓશિવારા સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
૧૪ જુલાઈ, ૧૯૩૭માં રાજસ્થાનના એક ગામડામાં તેમનો જન્મ થયો હતો. ઘરમાં મદદરૂપ થવા માટે સુધા શિવપુરીએ અભિનય કારકિર્દી ઘણી નાની વયે શરૂ કરી હતી. ત્યારબાદ તેઓ દિલ્હી ગયાં જ્યાં અનેક નાટકોમાં કામ કર્યું. તેમના લગ્ન જાણીતા અભિનેતા હરિ (ઓમ) શિવપુરી સાથે થયાં હતાં. ૧૯૭૪માં તેઓ મુંબઈ આવ્યા અને અનેક હિન્દી નાટકોમાં ભૂમિકા ભજવી. તેમણે અનેક ફિલ્મો અને સિરિયલોમાં પણ કામ કર્યું હતું. ‘ક્યું કિ સાસ ભી કભી બહુ થી’માં તુલસીનું પાત્ર ભજવનાર અભિનેત્રી અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સુધા શિવપુરીના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.