અક્ષયકુમાર તેમના સાસુ ડિમ્પલ કાપડિયા સાથે સારું બોન્ડિંગ ધરાવે છે. ડિમ્પલ પણ અક્ષયને પુત્રવત પ્રેમ કરે છે. બન્ને હંમેશા એકબીજાને સપોર્ટ કરતા રહ્યા છે. આજે ડિમ્પલ અક્ષયના વખાણ કરતા થાકતી નથી. પરંતુ શું તમે હકીકત જાણો છો કે એક સમયે ડિમ્પલ પોતાની પુત્રી ટ્વિંકલ અને અક્ષયના લગ્ન કરાવવા ઇચ્છતી નહોતી. પણ ડિમ્પલ હવે કહે છે કે સારું થયું કે ટ્વિકલે અક્ષય સાથે લગ્ન કર્યા.
ડિમ્પલે જયપુર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે પહેલાં તો હું ટ્વિંકલના લગ્ન અક્ષય સાથે કરાવવા માંગતી નહોતી, પરંતુ ભગવાનનો આભાર કે ટ્વિંકલે અક્ષય સાથે લગ્ન કર્યા. અક્ષય ખૂબ સારી વ્યક્તિ છે. ડિમ્પલે કહ્યું કે, ‘લોકો સાથે અક્ષયને વાત કરતા જોઉં છું ત્યારે ગૌરવ થાય છે. તે બધાની વાત ધ્યાનથી સાંભળે છે.’ એક કિસ્સો શેર કરતાં ડિમ્પલે કહ્યું કે એક દિવસ અક્ષયે કહ્યું કે દિલ્હી મિસેજ સોનિયાને મળવા જવું છે. પરંતુ તેઓ એકલા જવા ઇચ્છતા ન હોવાથી મને પણ સાથે લઈ જવા માંગે છે. મને તેડવા આવ્યા ત્યારે કહ્યું કે પોતે વોલેટ ઘેર ભૂલીને આવ્યો છે તેથી ઘરે પાછું જવું પડશે.
આ પછી તે ડિમ્પલને પોતાના ઘેર લઈ ગયા. ઘેર પહોંચતાં જ ડિમ્પલને ખબર પડી કે અક્ષયે તો તેમના 50મા જન્મદિવસ પ્રસંગે શાનદાર સરપ્રાઇઝ પાર્ટી યોજી હતી. ડિમ્પલે આ પહેલાં એક મુલાકાતમાં કહ્યું હતું કે ટ્વિંકલે જ્યારે તેમને કહ્યું કે તે અક્ષય સાથે લગ્ન કરવા માંગે છે તો ડિમ્પલે જવાબ આપ્યો હતો કે પહેલાં બે ત્રણ મહિના સાથે રહો, અને એકમેકને સમજ્યા પછી નિર્ણય કરો.