ઢાકા હુમલામાં માર્યા ગયેલા ૬ આતંકવાદીઓમાંથી એક બોલિવૂડની અભિનેત્રી શ્રદ્ધા કપૂરને પણ મળી ચૂક્યો હતો. હાલમાં એ આંતકીનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. આ આતંકવાદીનું નામ નિબ્રસ ઈસ્લામ છે તેવું જાણવા મળ્યું છે. નિબ્રસના ફેસબુક પ્રોફાઈલમાં શ્રદ્ધા કપૂરને મળ્યો તે વખતના ફોટા અને વીડિયો છે.
નિબ્રસે શ્રદ્ધા કપૂર સાથે મુલાકાત વખતના વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, શ્રદ્ધા કપૂર યુ બ્યુટી. નિબ્રસના એફબી પ્રોફાઈલમાં અન્ય પણ ઘણા વીડિયો અને ફોટા મળ્યા છે. આ વીડિયો અને ફોટોગ્રાફ્સ તે શિક્ષિત અને હસમુખ હતો તેવા સંકેત આપે છે. આ ઉપરાંત ફોટોઝ પરથી તાગ મેળવી શકાય છે કે તે એક ધનાઢ્ય પરિવારનું ફરજંદ હતો. પહેલી જુલાઈએ રાત્રે ઢાકા ખાતે થયેલા આતંકવાદી હુમલામાં ૨૦ લોકો માર્યા ગયા હતા. બાંગ્લાદેશ સરકારે આ હુમલા પાછળ પાક.નો હાથ હોવાની શંકા વ્યક્ત કરી હતી. જોકે હાલમાં તો બાંગ્લાદેશ પોલીસ તપાસ કરી રહી છે કે ઈસ્લામના નામે નિબ્રસનું બ્રેઈનવોશ કોણે કર્યું? કેવી રીતે આ આતંકવાદી હુમલા માટે તેને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો?