બોલિવૂડ સ્ટાર હૃતિક રોશને 10 જાન્યુઆરીએ 50મો જન્મદિવસ ઊજવ્યો છે. આજે રૂ. 3117 કરોડની સંપત્તિ સાથે ભારતનો ત્રીજો સૌથી અમીર અભિનેતા ગણાતો હૃતિક 2000માં ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ...’થી બોલિવૂડમાં ડેબ્યુ કરતાં પહેલાં તેના પિતા રાકેશ રોશનને આસિસ્ટ કરતો હતો. ડિરેક્ટરનો દીકરો હોવા છતાં, હૃતિક શરૂના દિવસોમાં સેટ પર સફાઈ કામદાર તરીકે કામ કરતો હતો. આટલું જ નહીં, કેટલીક વાર તે સેટ પર હાજર લોકોને ચા પણ પીરસતો હતો. શાહરુખ ખાનને કારણે પહેલી ફિલ્મ મેળવનાર હૃતિક ખરેખર તો શેખર કપૂરની ફિલ્મ ‘તારા રમ પમ પમ’થી ડેબ્યુ કરવાનો હતો, પરંતુ આ ફિલ્મ મુલતવી રહી અને ‘કહો ના...’ તેની ડેબ્યુ ફિલ્મ બની. રાકેશ રોશન શાહરુખ ખાનને ‘કહો ના...’માં કાસ્ટ કરવા માંગતા હતા, પરંતુ શાહરુખને ફિલ્મની વાર્તા પસંદ ન આવી. શાહરુખે ઇન્કાર કરતાં રાકેશ રોશને ફિલ્મમાં પોતાના પુત્રને કાસ્ટ કરવાનો નિર્ણય કર્યો. ‘વોર’ના પ્રમોશન દરમિયાન હૃતિકે ખુલાસો કર્યો હતો કે ‘કહો ના પ્યાર હૈ...’ હિટ થયા બાદ તેને 30,000 મેરેજ પ્રપોઝલ્સ મળી હતી. જોકે, ફિલ્મની સફળતા બાદ તેણે તેની ગર્લફ્રેન્ડ સુઝેન ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 14 વર્ષ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા અને હવે અભિનેતા તેમનાથી 11 વર્ષ નાની અભિનેત્રી સબા આઝાદને ડેટ કરી રહ્યો છે.
હૃતિકની 10 વર્ષની કરિયર પર નજર કરીએ તો તેની માત્ર 6 ફિલ્મો જ રિલીઝ થઈ છે. તેમાંથી માત્ર એક ફિલ્મ ‘મોહેંજોદરો’ ફલોપ રહી છે અને બીજી ફિલ્મ ‘વિક્રમ વેધા’ અપેક્ષા પર ખરી ઉતરી શકી નહોતી. બાકીની ચારેય ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. સૌથી વધુ ફી લેનારા કલાકારોની યાદીમાં હૃતિક રોશનનું નામ છઠ્ઠા ક્રમે છે.