સબ ટીવી પર આવતાં લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં દયાના પાત્રથી દરેક ઘરમાં લોકપ્રિય થનારી દિશા વાકાણી મુંબઈના સીએ મયૂર પડિયા સાથે ૨૪ નવેમ્બરે ઓશિવરાના મહેશ્વરી હોલમાં લગ્નગ્રંથિથી જોડાશે. નવાઈની વાત એ છે કે રીલ લાઈફ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં તેના પતિ જેઠાલાલ ગડાનું પાત્ર ભજવતા દિલીપ જોશીને દિશાના લગ્નમાં આમંત્રણ નથી. દિશાના પરિવારે આ વાતે કહ્યું છે કે, આ એક પારિવારિક પ્રસંગ છે અને દિશા અને મયૂર સાદાઈથી લગ્ન કરવા ઇચ્છે છે તેથી ફક્ત પરિવાર અને નિકટના સંબંધીઓને જ આમંત્રણ અપાયું છે. જોકે અંધેરીની એક ફાઇવસ્ટાર હોટેલમાં ૨૬મીએ યોજાયેલા ગ્રાન્ડ રિસેપ્શનમાં સિરીયલની ટીમ સહિત બોલીવુડ અને ટેલીવુડના ઘણા સ્ટાર્સને આમંત્રણ છે. લગ્ન બાદ દિશા અને મયૂર એક ટૂંકા હનીમૂન પર ઊપડી જશે. આમ તો હનીમૂન માટે પણ દિશાએ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના દિગ્દર્શક આસિત મોદી પાસે એક મહિનાની રજા માગી હતી, પણ તેની ૧૫ દિવસની રજા જ મંજૂર કરવામાં આવી છે.