"આજે દેશમાં અને વિદેશમાં સૌ કોઇ પશ્ચિમના રંગે રંગાઇ રહ્યા છે ત્યારે અમને આનંદ છે કે યુકેમાં વસતા આપ સૌ ગુજરાતીઅો અને ભારતીયોએ પોતાના સંસ્કાર, સંસ્કૃતિ અને ભાષા જાળવી રાખ્યા છે અને અહિં યુકેમાં આમારા આગમનનો હેતુ પણ આગામી પેઢી માટે આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને ભાષાની જાળવણીનો છે. અમે આપ સૌને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે સૌ ઘરમાં ગુજરાતીમાં વાત કરજો" આ શબ્દો છે લંડન અને લેસ્ટરમાં ડાયરાના બે કાર્યક્રમ માટે યુકે પધારેલા ગુજરાતી લોકગીતો અને ડાયરા માટે વિખ્યાત કલાકારો શ્રી કિર્તીદાનભાઇ ગઢવી અને શ્રી માયાભાઇ આહિરના.
હંસલો સ્થિત હોરાઇઝન બાર એન્ડ બેન્કવેટીંગ ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા માયાભાઇ આહિરે જણાવ્યું હતું કે "આજે આપ સૌને મળીને જાણે કે પારકા પરદેશમાં પોતીકાઅોને મળતા હોઇએ તેમ લાગે છે. કિર્તીદાનભાઇનો હંમેશા એક જ હેતુ રહ્યો છે આપણી પરંપરા સંસ્કૃતિ અને સંસ્કારને જાળવવાનો. આપણી સંસ્કૃતિમાં દિકરીનું અદકેરૂ મહત્વ છે અને કિર્તીદાનભાઇએ ગાયેલ કવિ દાદના ગીત "મારી લાડકી રે"ને અત્યાર સુધીમાં ૨૧.૭ મિલિયન લોકો યુ-ટ્યુબ પર જોઇ ચૂક્યા છે અને મોરારી બાપુ પણ તેમની કથામાં સિતાજીની વિદાય વખતે આ ગીત ગાય છે. આવી જ એક રચના છે, કાળજા કેરો કટકો મારો.. કિર્તીદાનભાઇ ગઢવી ગુજરાતી ડાયરાને એક અનેરા લેવલ પર લાવ્યા છે. તેમના ડાયરા થકી કન્યા કેળવણી, ગૌ માતા, અનાથાશ્રમ, વૃધ્ધાશ્રમો અને શિક્ષણ કરોડો રુપિયાનું ફંડ એકત્રીત થાય છે. ભગવાને અમને કંઠ અને લોકપ્રિયતા આપી છે તે થકી અમે અમારી રીતે સેવા પ્રવૃત્તીઅો કરી રહ્યા છીએ.”
છેલ્લે બનાસકાંઠા જીલ્લાના ભાભર ખાતે લોકડાયરાના કાર્યક્રમમાં શુભહેતુ માટે ૯ કરોડ રૂપિયા એકત્ર કરવામાં નિમિત્ત બનેલા કિર્તીદાનભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે "લોકડાયરા થકી સખાવતોનો ધોધ વહાવવાનું અમારા નસીબમાં આવ્યું છે તેને માટે અમને સૌને આનંદ છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની ધીંગી ધરા પર સંસ્કાર, સંસ્કૃતિ અને ધર્મ માટે લોકોએ આપેલા બલિદાનની વાતો અને ગીતો રજૂ કરીને અમે અમારી રીતે કોઇક સેવા કરવા કટિબધ્ધ છીએ. અમે જરૂર જણાય તો કોઇ પણ પુરસ્કાર વગર કાર્યક્રમો રજૂ કરીએ છીએ.”
કિર્તીદાનભાઇએ જણાવ્યું હતું કે "સેવનસ્ટાર એન્ટરટેઇનેમન્ટ દ્વારા યોજાયેલ ડાયરાના કાર્યક્રમોમાં પારંપરિક લોકગીત, દુહા, છંદ અને ડાયરા ઉપરાંત કેટલાક સૂફી ગીતો અને ભક્તિ ગીતો પણ રજૂ કરીશું.
કિર્તીદાનભાઇ અને માયાભાઇના ગત તા. ૨૨ના રોજ લેસ્ટરમાં યોજાયેલા કાર્યક્રમને જોરદાર સફળતા મળી હતી અને લંડનમાં હેરો લેઝર સેન્ટર ખાતે આગામી તા. ૨૮-૪-૧૭ શુક્રવારના રોજ સાંજે ૭-૩૦ કલાકે કાર્યક્રમ યોજાયો છે. પત્રકાર પરિષદમાં સેવનસ્ટાર એન્ટરટેઇનમેન્ટના નાગાર્જુન આગટ, ખેમરાજ ગોહેલ, પરબત સાંગા, પ્રતાપ ખુંટી, રાજીવ વાઢીયા અને મયુર સીસોદીયા તેમજ ઇવેન્ટ અોર્ગેનાઇઝર અલ્પા સૂચક અને સંજયભાઇ જગતીયા ઉપસ્થિત રહ્યા હતા.