ફિલ્મ પ્રોડ્યૂસર કરણ જોહરે પોતાના અલગ દેખાવથી ચાહકોને ચિંતામાં મૂકી દીધા હતા. તાજેતરમાં કરણના ઘણા વીડિયો વાયરલ થયા હતા, જેમાં તે ખૂબ જ પાતળો દેખાતો હતો. આ પછી તેણે દવાઓ લઇને વજન ઘટાડ્યું હોવાની વાતો ફરતી થઇ હતી. જોકે હવે કરણે વજન ઘટાડવાના ઉપાયો વિશે ખુલાસો કરીને ચર્ચાનો અંત આણ્યો છે. 17 એપ્રિલે ઈન્સ્ટાગ્રામ પર લાઇવ સેશનમાં કરણે તેની ફિટનેસ જર્ની વિશે વાત કરતાં કહ્યું હતું કે વજન ઘટાડવાની પોતાની સફરના મૂળમાં દવાઓ નહીં, સંતુલિત જીવનશૈલી, પોષણયુક્ત આહાર અને કસરતનો સમન્વય છે. કરણે કહ્યું હતું કે જ્યારે મને સમજાયું કે મારે મારા બ્લડ લેવલને સુધારવાની જરૂર છે ત્યારે આ બધા પ્રયાસ શરૂ થયા. કરણ કહે છે કે વધારાનું વજન ઘટાડવા માટે તેણે સ્ટ્રીક્ટ ડાયેટનું પાલન કર્યું હતું. દિવસમાં ફક્ત એક જ વાર ભોજન લેતો હતો. આ બધા ઉપરાંત, સક્રિય રહેવા અને વજન ઘટાડવા માટે, તે પેડલ બોલ પણ રમ્યો અને સ્વિમિંગ પણ કર્યું હતું.
આ પહેલા IIFA એવોર્ડ્સમાં કરણ જોહરે પોતાના વજન ઘટાડવાની સફર વિશે વાત કરતા કહ્યું હતું કે સ્વસ્થ રહેવા, સારું ખાવા, કસરત કરવા અને સારા દેખાવા માટેનો આ શ્રેષ્ઠ પ્રયાસ છે. જ્યારે કરણને તેની દિનચર્યા વિશે પૂછાયું ત્યારે તેણે જવાબ આપ્યો ‘જો હું જવાબ આપીશ તો મારું રહસ્ય જાહેર થઈ જશે.’ નોંધનીય છે કે, ગયા વર્ષે એક એક્સ યુઝરે દાવો કર્યો હતો કે કરણ જોહર ચોક્કસ દવાનો ઉપયોગ કરી રહ્યો છે. જવાબમાં, કરણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની પોસ્ટ શેર કરીને આ દાવાને ખોટો ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી કરણ જોહરથી એકદમ સ્લિમ બોડી સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.