મુંબઈમાં યોજાયેલા દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડમાં શાહરુખ ખાનથી લઈને રણબીર કપૂર અને બોબી દેઓલ સહિતના સ્ટાર્સે બાજી મારી છે. 20મી ફેબ્રુઆરીએ રાત્રે યોજાયેલા એવોર્ડ સમારંભમાં રાની મુખર્જી અને કરીના કપૂર ખાન સહિતના હિન્દી ફિલ્મ અને ટીવી જગતના ટોચના સ્ટાર્સે હાજરી આપી હતી. ‘જવાન’ ફિલ્મ માટે શાહરુખ ખાને બેસ્ટ એક્ટરનો જ્યારે અનિરુદ્ધ રવિચંદરે આ જ ફિલ્મ માટે બેસ્ટ મ્યુઝિક માટે એવોર્ડ મેળવ્યો હતો. ‘એનિમલ’ ફિલ્મ માટે સંદીપ રેડ્ડી વાંગાને બેસ્ટ ડિરેક્ટર તરીકે સન્માનિત કરાયા હતા. જ્યારે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ રાની મુખરજીને ‘મિસિસ ચેટરજી વર્સેસ નોર્વે’ ફિલ્મમાં યાદગાર ભૂમિકા માટે મળ્યો હતો. વિકી કૌશલને ‘સેમ બહાદુર’ની ભૂમિકા માટે બેસ્ટ એક્ટર (ક્રિટિક) એવોર્ડ મળ્યો હતો. જ્યારે બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટીક્સ) એવોર્ડ રાની મુખર્જીને તો ‘એનિમલ’ માટે બોબી દેઓલે બેસ્ટ એક્ટર ઇન નેગેટિવ રોલ માટે એવોર્ડ મેળવ્યો હતો.
આ એવોર્ડ ફંક્શનમાં ટેલિવિઝન અને વેબ સીરિઝના યોગદાનને પણ બિરદાવવામાં આવ્યું હતું. જેમાં ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ અને ‘સ્કૂપ’ જેવી સીરિઝના કલાકારોને એવોર્ડ આપવામાં આવ્યા હતા. વધુમાં મૌસુમી ચેટર્જી અને કે.જે. યેસુદાસને અનુક્રમે ફિલ્મ અને સંગીત ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
એવોર્ડ અને વિજેતાઓ
• બેસ્ટ ફિલ્મઃ ‘જવાન’
• બેસ્ટ ડિરેક્ટરઃ સંદીપ રેડ્ડી વાંગા (‘એનિમલ’)
• બેસ્ટ એક્ટરઃ શાહરુખ ખાન (‘જવાન’)
• બેસ્ટ એક્ટ્રેસઃ રાની મુખરજી (‘મિસિસ ચેટરજી વર્સેસ નોર્વે’)
• બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ)ઃ ‘બારહવીં ફેઇલ’
• બેસ્ટ ડિરેક્ટર(ક્રિટિક્સ): એટલી (‘જવાન’)
• બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ): વિકી કૌશલ (‘સેમ બહાદુર’)
• બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ)ઃ કરીના કપૂર (‘જાનેજાં’)
• બેસ્ટ એક્ટર ઇન નેગેટિવ રોલઃ બોબી દેઓલ (‘એનિમલ’)
• બેસ્ટ એક્ટર ઇન કોમિક રોલઃ આયુષ્યમાન ખુરાના (‘ડ્રીમ ગર્લ-2’)
• બેસ્ટ એક્ટ્રેસ ઇન કોમિક રોલઃ સાન્યા મલ્હોત્રા (‘કટહલ’)
• મોસ્ટ પ્રોમિસિંગ એક્ટરઃ વિક્રાંત મેસી (‘બારહવીં ફેઇલ’)
• મોસ્ટ પ્રોમિસિંગ એક્ટ્રેસઃ અદા શર્મા (‘ધ કેરાલા સ્ટોરી’)
• બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મઃ ‘ઓપનહેઇમર’
• બેસ્ટ શોર્ટફિલ્મઃ ‘ગુડ મોર્નિંગ’