ઈન્ડિયન સિનેમાના ભારતકુમારને ભારત સરકારે દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. ભારતકુમાર એટલે કે પીઢ અભિનેતા મનોજકુમારને વિશ્વાસ નથી કે તેમને આ સન્માન મળી રહ્યું છે. મનોજકુમાર કહે છે કે, આ એક અદ્ભુત સરપ્રાઇઝ છે. હું બપોરે સૂઈ રહ્યો હતો. અચાનક મારા ફોનની ઘંટડી રણકવા માંડી. સૌ પહેલાં મધુર ભંડારકર અને અશોક પંડિતે સમાચાર આપ્યા કે, મને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળવાનો છે. પહેલાં તો મને થયું કે મારી સાથે મજાક થઈ રહી છે, પરંતુ પછી મેં ન્યૂઝ જોયા ત્યારે થયું કે આ વાત તો સાચી છે.
ખરું કહું તો આ વાત મને માનવામાં થોડી વાર લાગશે કે મને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળી રહ્યો છે. આ ખૂબ જ પ્રતિષ્ઠિત સન્માનમાંથી એક છે. મને જે કંઈ મળ્યું છે એનો મને સંતોષ છે અને મારો પરિવાર આ સમાચારથી ખૂબ જ ખુશ છે.
આ પુરસ્કાર માટે પાંચ જ્યુરી મેમ્બરને પસંદ કરાયા હતા. જેમાં લતા મંગેશકર, આશા ભોંસલે, સલીમ ખાન, નીતિન મુકેશ અને અનુપ જલોટાનો સમાવેશ છે. આ એવોર્ડમાં સુવર્ણકમળ, રૂ. ૧૦ લાખની રોકડ રકમ અને એક શાલ અપાશે.
મનોજ કુમારે ‘ઉપકાર’, ‘હરિયાલી ઓર રાસ્તા’, ‘વો કૌન થી’, ‘હિમાલય કી ગોદ મેં’, ‘રોટી કપડા ઓર મકાન’ અને ‘ક્રાંતિ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
તેઓ વધુ જણાવતા કહે છે, હું લાઇમલાઇટથી દૂર રહ્યો છું એ મારી ભૂલ છે. મારી ફિલ્મ બનાવવાની ઇચ્છા છે અને હું આ ઇચ્છા જલદી પૂરી કરીશ.
હું જાતે દિલ્હી જઈને આ એવોર્ડ સ્વીકારીશ: મનોજકુમાર
મનોજકુમારને સરકાર દ્વારા દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાની જાહેરાત થઈ એ પછી તેમણે જણાવ્યું કે, સિનેમા મારા માટે પ્રોફેશન નહીં, પણ મારું પેશન રહ્યું છે. મેં એક્ટિંગ એટલા માટે પસંદ કરી હતી કે જેથી હું લોકોમાં દેશભક્તિની ભાવના જગાડી શકું. હું ૭૮ વર્ષનો છું અને મને થોડી સ્વાસ્થ્યની મુશ્કેલી પણ છે. છતાં હું એક સૈનિક અને ફાઇટર છું. સરકાર જ્યારે આ એવોર્ડ સેરેમનીનું આયોજન કરશે ત્યારે હું જાતે દિલ્હી જઈને પુરસ્કાર સ્વીકારીશ.