દિગ્ગજ એક્ટ્રેસ આશા પારેખને રવિવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમણે બ્રેસ્ટ કેન્સરની સારવાર કરાવી હતી. એક અહેવાલ અનુસાર 82 વર્ષીય અભિનેત્રીને રવિવારે સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. અહીંના ઓપરેશન થિયેટરમાં બે કલાક સુધી તેમની સર્જરી કરવામાં આવી હતી.
60 અને 70ના દાયકાનાં સૌથી પ્રખ્યાત અભિનેત્રી આશા પારેખને 2022માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ ભારતીય ફિલ્મ ઉદ્યોગનો સર્વોચ્ચ એવોર્ડ છે. આ એવોર્ડ અભિનેત્રીને ફિલ્મ ઉદ્યોગમાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યો છે. આશા પારેખને 68મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં આ સન્માન અપાયું હતું. દાદાસાહેબ ફાળકેથી સમ્માનિત થનાર છેલ્લા મહિલા ગાયિકા આશા ભોંસલે હતા. તેમને 2000માં એવોર્ડ અપાયો હતો. આશા પારેખ પહેલાં આશા ભોંસલે, લતા મંગેશકર, દુર્ગા ખોટે, કાનન દેવી, રૂબી માયર્સ, દેવિકા રાની પણ આ એવોર્ડ મેળવી ચૂક્યાં છે. દેવિકા રાની 1969માં આ એવોર્ડ મેળવનાર પ્રથમ અભિનેત્રી હતાં.
આશા પારેખનો જન્મ 2 ઓક્ટોબર 1942ના રોજ મુંબઈ - મહારાષ્ટ્રમાં થયો હતો. ગુજરાતી પરિવારમાં જન્મેલા આશા હાલમાં ડાન્સ એકેડેમી ‘કારા ભવન’ ચલાવી રહ્યાં છે. આ ઉપરાંત મુંબઇના સાંતાક્રુઝમાં તેમની હોસ્પિટલ BCJ હોસ્પિટલ એન્ડ આશા પારેખ રિસર્ચ સેન્ટર પણ ચાલે છે.