અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને ત્યાં રવિવારે દીકરીનો જન્મ થયો હોવાના સમાચારથી સ્ટાર દંપતીના ચાહકોમાં ખુશીની લહેર દોડી ગઇ છે. દીપિકાને શનિવારે મુંબઈની એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કર્યા પછી રવિવારે પુત્રીને જન્મ આપ્યો હતો. રણવીરે સોશિયલ મીડિયા પર આ સમાચાર આપ્યા તે સાથે જ દંપતી પર શુભેચ્છાઓનો વરસાદ વરસ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર દીપિકા 28 સપ્ટેમ્બરે બાળકને જન્મ આપે તેવી શક્યતા હતા. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આગલા દિવસ - શુક્રવારે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા અને તેમણે દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. દીપિકાએ પ્રસૂતિ પહેલાં આવનારા બાળક માટે પૂજા કરી હતી. તે સમયે દીપિકાનો લૂક ચર્ચામાં રહ્યો હતો. અભિનેત્રીએ ગ્રીન કલરની બનારસી સાડી ધારણ કરી હતી. જ્યારે રણવીર શ્વેત વસ્ત્રોમાં હતો. દીપિકા અને રણવીર માતાપિતા બન્યા હોવાના સમાચાર આવતાં સોશિયલ મીડિયા પર બોલિવૂડની સેલિબ્રિટીસ ઉપરાંત ચાહકોએ વિવિધ પ્રકારે અભિનંદન આપવાની સાથે પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. એક યૂઝરે લખ્યું, ‘લક્ષ્મી આવી ગઈ છે, અભિનંદન.’ તો એક યૂઝરે મીડિયાની મજા લેતાં લખ્યું કે, ‘મીડિયા હવે આરામથી નીંદર લઇ શકશે.’