મુંબઈ: લગભગ ૩૦ વરસ પછી રામાનંદ સાગરની સિરિયલ રામાયણના પુનઃ પ્રસારણથી શોના દરેક પાત્રો ચર્ચામાં છે. આ દરમિયાન સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાએ પોતાની આગામી ફિલ્મની સત્તાવાર ઘોષણા કરી છે.
દીપિકા જલદી જ સરોજિની નાયડુના જીવન પર બની રહેલી ફિલ્મમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તે મુખ્ય પાત્ર ભજવી રહી છે. સરોજિનીનું પહેલું પોસ્ટર પણ દીપિકાએ જ સોશિયલ મીડિયા પરના પોતાના અકાઉન્ટ પરથી શેર કર્યું છે. દીપિકાએ આ પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે, સરોજિની નાયડુ... પહેલુ લુક...પોસ્ટર.
આ પોસ્ટર દ્વારા આ ફિલ્મને સ્વતંત્રતાની નાયિકાની એક અનકહી કહાણી તરીકે દર્શાવામાં આવી છે. દીપિકા આ પહેલા પણ આ ફિલ્મ વિશે કહી ચૂકી છે. તેણે કહ્યું હતું કે, મને સરોજિની નાયડુની બાયોપિક ઓફર થઇ છે. લોકડાઉનના કારણે દિગ્દર્શક ધીરજ મને સ્ક્રિપ્ટ સંભળાવી શક્યા નથી, પરંતુ હાલ હું તેમને વિશે વાંચી રહી છું.
દીપિકા આ પાત્રને એક પડકાર સમાન માને છે. તેનું માનવું છે કે, સીતાનું પાત્ર ભજવવું એટલું મુશ્કેલ નહોતું. વાસ્તવમાં સીતાને કોઇએ જોઇ નહોતી, તેના જીવનની ઘટનાઓ અનુસાર મેં પણ કર્યું જેથી લોકો સંતુષ્ટ થઇ ગયા હતા, પરંતુ સરોજિની નાયડુ વિશે તો લોકો જાણે છે. આવી પરિસ્થિતિમાં એક પણ ભૂલ ભારી પડી શકે છે. મારે આ પાત્ર ભજવવા માટે નાનામાં નાની વાત પર ધ્યાન આપવું પડશે.
ઉલ્લેખનીય છે કે, દીપિકા ચિખલિયાએ ૧૯૮૩ થી ૧૯૯૪ સુધી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેને ઓળખ સીતાના પાત્રથી મળી હતી. જોકે પોતાના સંતાન ઉછેર માટે તે ફિલ્મ દુનિયાથી દૂર થઇ ગઇ હતી. ૨૦૧૮માં તે લાંબા સમય બાદ ફિલ્મ ‘ગાલિબ’થી બોલિવૂડમાં ફરી સક્રિય થઇ. તે છેલ્લે ફિલ્મ બાલા પણ નજરે ચડી હતી.