સિદ્ધાંત ચતુર્વેદીએ 2019માં ‘ગલીબોય’ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, અને તેના અભિનયની દર્શકોએ ખૂબ પ્રશંસા કરી હતી. હવે સિદ્ધાંત કહી રહ્યો છે કે ફિલ્મમાં ઇન્ટિમેટ સીન્સ હોવાથી ‘ગહરાઈયાં’ ફિલ્મ તે છોડવા તૈયાર થઇ ગયો હતો. ફિલ્મમાં દીપિકા પાદુકોણ સાથે સિદ્ધાંતનો ઇન્ટિમેટ સીન હતો, અને તે સીન ખૂબ વાઈરલ પણ થયો હતો. ‘ગહરાઈયાં’ ફિલ્મને શુકન બત્રાએ ડિરેક્ટ કરી હતી અને ફિલ્મ રિલેશનશિપ, બેવફાઈ જેવી થીમ પર આધારિત હતી. તાજેતરમાં સિદ્ધાંતે એક મેગેઝિનને આપેલી મુલાકાતમાં તે ઈન્ટિમેટ સીનને યાદ કર્યો હતો. તેણે કહ્યું કે આ સીનના કારણે તે એટલો ગભરાઈ ગયો હતો કે સ્થિતિ સંભાળી લેવા તેના પિતા અને ફિલ્મના પ્રોડ્યુસર કરણ જોહરને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. તેણે કહ્યું કે, ‘મને યાદ છે કે મારા પિતાએ મારી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સાંભળ, આ પ્રકારની ફિલ્મની તક માટે ભારતના 99 ટકા લોકો કાંઈ પણ કરવા તૈયાર જતા હોય છે. લોકો આવી તક મળતાં એક સેકન્ડ પણ નથી વિચારતા. તું આખરે શું વિચારી રહ્યો છે? પ્રોફેશનલ બન, બસ તારી આ જ જોબ છે એ યાદ રાખ.’ સિદ્ધાંત કહે છે કે, ‘મને કાંઈ સમજાઈ રહ્યું નહોતું કે શું કરું?’ પિતાએ કહ્યું કે આ બધી બાબતોનું કોઈ મહત્ત્વ નથી હોતું. સારા અભિનેતા બનવા માંગતા હોવ તો આ કરો. જ્યાં સુધી બધી બાબતને નવેસરથી ગોઠવશો નહીં ત્યાં સુધી ખાસ નહીં કરી શકો.